વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

422

વડોદરા શહેરમાં આષાઢી બીજના પાવન દિવસે જગનાનાથ ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે. ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજીત ૩૮મી રથયાત્રામાં શુદ્ધ ઘીમાંથી બનાવેલા ૨૭ ટન શીરાનો પ્રસાદ અને ૪૦૦ મણ કિલો કેળાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ રથયાત્રા બપોરે ૨ઃ૩૦ કલાકે સ્ટેશન ખાતેથી નીકળશે.

વડોદરા સ્થિત ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ રામદાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૪ જુલાઇના રોજ ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલરામજી અને બહેન સુભદ્રાજી શહેરીજનોને સામેથી દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી રથયાત્રાને મેયર ડો. જીગીશાબહેન શેઠ રથયાત્રાના માર્ગને સોનેરી ઝાડૂથી સફાઇ કરીને પ્રસ્થાન કરાવશે. તે સમયે રાજકિય અગ્રણીઓ, મંદિરના મહંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રથયાત્રા રેલવે સ્ટેશનથી સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી ચાર રસ્તા, રાવપુરા મેઇન રોડ, જ્યુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ થઇ બરોડા હાઇસ્કૂલ પાસે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપન થશે. રથયાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ, પોળના યુવક મંડળો તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. સાંજે નીજ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ હજાર કરતા વધુ લોકો મહાપ્રસાદીનો લાભ લેશે.

Previous articleબજેટ : હોમલોન ઉપર કરવેરા છુટછાટમાં વધારો થઇ શકે છે
Next articleદુપટ્ટાની આડમાં મહિલાઓએ કરી રૂ. ૨૦૦૦૦ની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ