નવા ભારતના સંકલ્પને સિદ્ધ કરનાર બજેટ રહ્યું : વાઘાણી

454

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પુનઃ એકવાર પ્રચંડ બહુમતીથી કેન્દ્રમાં બનેલી મોદી સરકારના પ્રથમ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમનજીએ ગામડું, ગરીબ, ખેડૂત, યુવા, મહિલા, મધ્યમવર્ગ સહિત તમામ લોકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટેનું સર્વજનહિતાય – સર્વજનસુખાય મંત્ર સાથેનું બજેટ આપ્યું છે ત્યારે હું નવા ભારતના સંકલ્પને સિધ્ધ કરવા માટેનું ઐતિહાસિક બજેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને નાણા મંત્રી નિર્મલા સીતારમનજીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘‘સમૃધ્ધ ભારત – સક્ષમ ભારત’’ના નિર્માણ માટેની જોગવાઈઓ સાથે ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને, આર્થિક મહાસત્તા બને તે માટેનો રોડમેપ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે. ગ્રામિણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી ખેડૂતોની સમૃધ્ધિ-સુખાકારીમાં વધારો થાય અને આગામી ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશનો અન્નદાતા એ ઉર્જાદાતા પણ બને અને ખેતપેદાશોની સાથે સાથે ખેતરમાં વીજળીનું પણ ઉત્પાદન કરી વધારાની આવક મેળવી શકે તે માટેનું વિશેષ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે.  વાઘાણીએ મહાત્મા ગાંધીજીની વિચારધારાને યાદ કરતા જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતા કે ગામડું એ ભારતનો આત્મા છે. આવતા પાંચ વર્ષમાં સવા લાખ કિલોમીટર ગ્રામીણ સડકોનું નિર્માણ થશે, તેના માટે ૮૦,૨૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રોની સમૃધ્ધિ અને સુખાકારી માટે ઝીરો બજેટ ખેતી, ખેતપેદાશોના ટેકાના ભાવમાં વધારો, નવિન ૧૦૦ જેટલા એગ્રીકલ્ચરલ ક્લસ્ટરનું નિર્માણ, દરેક ગામમાં વીજળી, પાણી, સડક અને પીવાનું શુધ્ધ પાણી સહિતની સગવડતાઓ મળી રહે તે માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગના કરદાતાઓને પાંચ લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ, ‘‘નારી તું નારાયણી’’ યોજના હેઠળ જનધન ખાતા ધારક મહિલાઓને પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્‌ટ તેમજ મુદ્રા યોજના હેઠળ એક લાખની લોનની બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ૪૫ લાખ રૂપિયાની કિંમત સુધીનું ઘર ખરીદનારને હોમ લોનના વ્યાજ પરની છૂટ દોઢ લાખ રૂપિયા વધારીને કુલ ૩.૫ લાખ રૂપિયા કરવામાં આવી છે, જેથી મધ્યમ વર્ગને પોતાનું ઘર ખરીદવા માટે વિશેષ રાહત મળશે. નવનિર્મિત જળશક્તિ મંત્રાલય દ્વારા ‘‘હર ઘર જલ’’ યોજના દ્વારા ‘‘જલ જીવન મિશન ૨૦૨૪’’ની ઘોષણા કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન – ભારત નેટ દ્વારા દરેક ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ કનેકટીવિટી સાથે જોડવામાં આવશે.

દેશભરની યુવાપેઢીમાં ઉદ્યોગ સાહસિકતા વધે તેમજ દેશનો યુવાન જોબસીકર નહીં પરંતુ જોબગીવર બને તે માટે સ્ટાર્ટઅપ્સના વ્યાજમાં વિશેષ રાહતો તથા સ્વરોજગાર ઈચ્છુકોને સહેલાઇથી ફંડ મળી રહે તે માટે પણ વિશેષ જોગવાઈ દેશના બજેટમાં પ્રથમવાર કરવામાં આવી છે તેમ શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.

Previous articleકોંગ્રેસને ફટકો : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ દ્વારા રાજીનામા
Next articleરાજ્યસભાની બંને સીટ પર ભાજપની જીત