રાજ્યસભાની બંને સીટ પર ભાજપની જીત

571

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોની જીત થઇ છે. અહીં ભાજપના ઉમેદવાર અને વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઇ છે. જયશંકરને ૧૦૪ મત મળ્યા છે જેમાં ગુજરાત ભાજપના સભ્યોના ૧૦૦ મત મળ્યા છે. ક્રોસ વોટિંગ પણ થયું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના બે મત પણ સામેલ છે. એક મત રદ કરવાની ફરજ પડી હતી. ભારે ઉત્સુકતા અને ઉત્તેજના વચ્ચે મતગણતરી યોજવામાં આવી હતી તે પહેલા કોંગ્રેસ પાર્ટીએ અનેક વાંધા ઉઠાવ્યા હતા પરંતુ કોંગ્રેસના વાંધાઓને ફગાવી દેવામાં આવ્યા બાદ મતગણતરી યોજવામાં આવી હતી. અગાઉ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું મતદાન ભારે ઉત્તેજનાભર્યા વાતાવરણમાં યોજાયું હતું. બપોર સુધીમાં ૧૭૫ ધારાસભ્યોમાંથી કુલ ૧૫૦ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતાં જોરદાર રાજકીય ખળભળાટ મચી ગયો હતો. આજે અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં. જેનાથી રાજકારણ ગરમાયું હતું. જો કે, આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દંડકના તો બધા સાથે સબંધ હોય છે. જો, અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે ? રાજયસભાની ચૂંટણી માટે આજે સવારે ૯-૦૦ વાગ્યે મતદાન શરૂ થયા બાદ સાંજે ૫ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આર.સી. ફળદુ, ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા સહિત ૯૬ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પણ મતદાન કર્યું હતુ પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસવોટીંગ કરતાં રાજકીય મામલો ગરમાયો હતો. બીજીબાજુ, તેમજ કોંગ્રેસમાંથી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, પુનાજી ગામીત, નૌશાદ સોલંકી, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિત ૫૪ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્‌યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા હતા.  ગુજરાત વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા ૧૭૫ છે. ભાજપ પાસે ૧૦૦ ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના ૭૧ ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે.

ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું સવારે ૯-૦૦ વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે ૪-૦૦ વાગ્યા સુધી ચાલ્યું હતું. જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડયા તરફથી ચૂંટણી અધિકારીને વાંધા અરજી આપવામાં આવી હતી. જેને પગલે મતગણતરી વિલંબિત થઇ હતી. જો કે, ચૂંટણી પંચે ગૌરવ પંડ્યાની વાંધા અરજીને ફગાવી દીધી હતી. રાજયસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.

કોંગ્રેસે વ્હીપ આપ્યું હોવા છતાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસે વાંધા અરજી કરી હતી. જેને પગલે મતગણતરીમાં વિલંબ થયો છે. હવે ચૂંટણીપંચના નિર્દેશ બાદ જ મતગણતરી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીનું મતદાન વિધાનસભાના ચોથા માળે સવારથી મતદાન યોજાયું હતું.બંને બેઠકો માટે ધારાસભ્યોએ અલગ- અલગ મતદાન કર્યું હતું. આ માટે સફેદ અને ગુલાબી રંગના મતપત્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજયસભાની આ ચૂંટણીમાં મતદાતા ધારાસભ્યોએ ચૂંટણી અધિકારીએ આપેલી પેનનો જ ઉપયોગ કરવો પડયો હતો.

Previous articleનવા ભારતના સંકલ્પને સિદ્ધ કરનાર બજેટ રહ્યું : વાઘાણી
Next articleવાળુકડમાં વીજળી પડતા મૃત્યુ પામેલ મહિલાનાં પરિવારને સરકારી સહાય