લઠ્ઠાકાંડ કેસ : ત્રણ આરોપીને દસ-દસ વર્ષની સજા ફટકારી

711

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે આજે બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો, જેમાં એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ આ કેસના મુખ્ય આરોપીઓ એવા વિનોદ ડગરી, જયેશ ઠક્કર,અરવિંદ તળપદાને ૧૦-૧૦ વર્ષની કેદની સજા અને ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે મહિલા આરોપીઓ નંદાબેન જાની, મીનાબેન રાજપૂત અને જસીબેન ચુનારાને સાડા ત્રણ-સાડા ત્રણ વર્ષની કેદની સજા અને ૨૫૦૦-૨૫૦૦નો દંડ કર્યો હતો. આ કેસના અન્ય ૩૩ આરોપીઓને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો હતો. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં ગત તા.૯થી ૧૧ જૂન, ૨૦૦૯ના રોજ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩ લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ મામલે આજે સેશન્સ કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત છ આરોપીને દોષિત જાહેર કર્યાં હતા. આ કેસમાં કુલ ૩૯ આરોપીમાંથી ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

અને આ છએ આરોપીઓને આકરી સજા ફટકારી હતી. આ કેસમાં સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર એચ.એમ.ધ્રુવ અને અમિત પટેલે ગુનાની ગંભીરતા અને રેકર્ડ પર આવેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની ધ્યાને લઇ આરોપીઓને આકરામાં આકરી સજા ફટકારવા દલીલો કરી હતી. સરકારપક્ષ તરફથી આ કેસની સુનાવણી દરમિયાન ૬૫૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. દરમ્યાન આ કેસની સુનાવણી દરમ્યાન આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ હોવાથી અમારા અસીલ કાગડાપીઠ કેસમાં સજા ભોગવીરહ્યા છે. જેથી બન્ને સજાને એક જ ગણવી જોઈએ. બન્ને કેસમાં એક જ સાથે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દયા કરીને, ઓછામાં ઓછી સજા કરે તેવી વિનંતી અદાલતને કરી હતી, જેથી કોર્ટે તમામ આરોપીઓને બંને કેસની સજા એકસાથે ભોગવવા પણ તાકીદ કરી હતી. ગત તા.૯થી ૧૧મી જૂન, ૨૦૦૯ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ બનાવમાં ઓઢવ વિસ્તારમાં ૧૨૩ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૨૦૦ લોકોને ગંભીર અસરો થઈ હતી. આ પહેલા તા.૨૮મી માર્ચ, ૨૦૧૯ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે ૧૦ આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી ઉર્ફે ચંદુ ચૌહાણ, અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપદા અને અન્ય ૮ મહિલાઓ એવી વિમળા અર્જુન ચુનારા, આશા રાજુ ચુનારા, સુનિતા અશોક ચુનારા, ભૂરી મહેશ ચુનારા, લતા મનુ ચુનારા, સજન બાબુ ચુનારા, સોમી ઠાકોર, ગંગા બાબુ ચુનારા સમાવેશ થાય છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી વિનોદ ડગરીને ૧૦ વર્ષની સજા અને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ ૨૫ આરોપી હતા. જેમાં ૧૦ દોષિત અને ૧૨ નિર્દોષ જ્યારે ત્રણ આરોપી ફરાર છે. ઉલ્લેખનીય છે કે, આ લઠ્ઠાકાંડમાં ૨૪ લોકોના મોત થયા હતા.

Previous articleદેશને ૫ ટ્રિલિયન ડોલરનુ અર્થતંત્ર બનાવાશે : મોદી
Next articleભારે ઉત્સાહની વચ્ચે ભાજપ સભ્ય નોંધણી શરૂ