ગાંધીનગર સહિત અન્ય શહેરોમાંથી ૩૩ વાહનો ચોરનાર બે ઝડપાયા

465

ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહનચોરીના બનતાં ગુનાઓને અટકાવવા અને તેનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે-૭ પોલીસની સર્વેલન્સ સ્કવોડે સે-૧૧માંથી બે યુવાનોને ચોરીના બાઈક સાથે ઝડપી પાડયા હતા અને પુછપરછમાં એક પછી એક એમ ૩૩ વાહનચોરીનો ભેદ ઉકેલાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અલગ અલગ સ્થળોથી પોલીસે ર૬ બાઈક અને સાત રીક્ષાઓ મળી કુલ ૩૩ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આરોપીઓની વધુ પુછપરછમાં ચોરીના અન્ય ગુનાઓ પણ ઉકેલાવાની શક્યતા સેવાઈ રહી છે. ગાંધીનગર ઉપરાંત પ્રાંતિજ, હિંમતનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આ યુવાનોએ બાઈક ચોર્યા હોવાનું બહાર આવ્યું હતું.

ગાંધીનગરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ખાસ કરીને વાહનચોરીના બનતાં ગુનાઓ અટકાવી તેમજ અગાઉ બનેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તમામ પોલીસ મથકોને તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સે-૭ પોલીસ મથકના પીઆઈ ડી.એ.ચૌધરીએ તેમના સર્વેલન્સ સ્કવોડને સખત પેટ્રોલીંગ કરી બાતમીદારો સક્રિય કરી વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે  સૂચના આપી હતી.

જેના પગલે સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ ડી.એસ.રાઓલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સ્ટાફના કો.મહાવીરસિંહ અને જગદીશસિંહને બાતમી મળી હતી કે બે ઈસમો ચોરીના બાઈક સાથે સે-૧૧ એલઆઈસી ઓફીસથી ચેતક મેદાન તરફ જઈ રહયા છે.

જે બાતમીના આધારે અન્ય પોલીસ જવાનોને જાણ કરીને વોચ ગોઠવવામાં આવી હતી. આ બન્ને યુવાનોને આ બાઈક સાથે ઝડપી લેવાયા હતા અને તેમની ઝીણવટભરી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમણે કબુલયુ હતું કે ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ડુપ્લીકેટ ચાવીથી બાઈક અને રીક્ષાના લોક ખોલી તેને ચોરવામાં આવતાં હતા અને વેચી દેવાતા હતા તેમજ મોજશોખ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

જેથી આરોપીઓની પુછપરછમાં તેમણે ગાંધીનગર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ બાઈકો ચોર્યા હોવાની કબુલાત કરતાં પોલીસે તેની વિગતો મેળવી હતી. જેમાં સે-૭ પોલીસ સ્ટેશનની હદમાંથી ૧૩, સે-ર૧ની હદમાંથી ૧, અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની હદમાંથી ૧ર, ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાંથી ૧, શાહીબાગમાંથી ૧, હિંમતનગરમાંથી ૧, પ્રાંતિજમાંથી ૧, આનંદનગર અમદાવાદમાંથી ૧ અને અન્ય વિસ્તારોમાંથી બે મળી કુલ ર૬ બાઈકો અને સાત રીક્ષાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસે સંજય ઉર્ફે લાલો જગદીશભાઈ બજાણીયા રહે.મજરા, તલોદ રોડ, તા.પ્રાંતિજ સાબરકાંઠા અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ લકમારોત રહે.થરાદ ચોકડી પાસે તા.થરાદ બનાસકાંઠા મુળ ડુંગરપુરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓની રીમાન્ડ લેવા માટેની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં વાહનચોરીના અન્ય ગુનાઓ પણ ઉકેલાવાની શક્યતા છે. એટલું જ નહીં ચોરીના વાહનો ખરીદનાર વ્યક્તિઓ સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

Previous articleભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ વચ્ચે જંગ જામશે
Next articleઉત્તરાખંડના ભાજપ ધારાસભ્યએ શરાબના નશામાં ૪ ગન સાથે ડાન્સ કર્યો