રેલવે સ્ટેશનો પર ૧૫ રૂપિયામાં ભોજન ઉપલબ્ધ કરાવાની યોજનાનો ફિયાસ્કો

632

રેલવે સ્ટેશનો પર મુસાફરોને સસ્તા દરે જમવાનું મળી રહે તે માટે તમામ સ્ટોલધારકોએ રૂ.૧૫ માં જનતા ખાના આપવાનું ફરજીયાત હોવા છતાંય તેનો અમલ થઇ રહ્યો નથી. તેમજ ચાલુ ટ્રેનોમાં પેન્ટ્રીકારમાં ૨૦ રૂપિયામાં તે પુરૂ પાડવાની જોગવાઇ હોવા છતાંય મુસાફરોને મોંઘુદાટ જમવાનું આપીને તેઓને આર્થિક રીતે લૂંટવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

તમામ રેલવે સ્ટેશનો પર દરેક સ્ટોલધારકોએ જનતા ખાનાનું મોટું બોર્ડ લગાવીને ૧૫ રૂપિયામાં ૧૭૫ ગ્રામની એક એવી ૭ પુરી, ૧૫૦ ગ્રામ રસાદાર શાક અને ૧૫ ગ્રામ અથાણું આપવાનું ફરજીયાત છે. તેમ છતાંય આ પ્રકારેની સવલતો રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ નથી તેમજ તેના કડકાઇપૂર્વકના અમલીકરણમાં ઢીલાસ દાખવાઇ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

આ મામલે ઝેડઆરયુસીસીના સભ્યોએ રેલવે સ્ટેશનો પર હાથ ધરેલી તપાસમાં આ અનિયમિતતા સામે આવવા પામી છે. આ મામલે તેઓએ અમદાવાદ વિભાગના ડીઆરએમ અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પણ લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે આઇઆરસીટીસીના નિમયોનું પાલન થઇ રહ્યું નથી. સ્ટોલ પર મોટા અક્ષરે જનતા ખાનાની માહિતી તેમજ વિગતો લખાતી નથી.

સ્ટેશનોના સ્ટોલો ઉપર ૩૦ રૂપિયામાં ૮ પુરી-શાક વેચાતું હોય છે. આમ ટ્રેનોના મુસાફરોને સસ્તું અને સારી ગુણવત્તાવાળું ભોજન ઉપલબ્ધ કરાવવાનો હેતુ ફળીભુત થતો નથી. આમ મુસાફરો લૂંટાઇ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન પર ફાયર સેફિ્‌ટની પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવી તેમજ કુલીઓએ તેમની પાસે ફરજીયાતપણે રેટકાર્ડ રાખવાનો નિયમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

Previous articleકલોલ પૂર્વમાં રોડ ઉપર ઉકરડાનું નિર્માણ થતાં સ્થાનિકોમાં રોષ
Next articleઆદુદરા ગામ પાસેની નર્મદા કેનાલના પાળા પરથી અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો