ગાંધીનગર : ખ માર્ગ ઉપર ગટરો બેસી જવાથી વાહનચાલકો માટે જોખમી બની

422

વાયબ્રન્ટ સમિટ વખતે વીઆઇપીઓની અવર જવર વખતે ખ માર્ગને તંત્ર દ્વારા ચકચકીત બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ માર્ગ ઉપર આવેલી ગટરોની બ્રાન્ચો હાલમાં બેસી જવાના કારણે અવર જવર કરતા વાહનચાલકો માટે જોખમી બની છે. તો લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ યોગ્ય ગુણવતા વગરની કામગીરી કરવામાં આવી હોય તેવું આ માર્ગ ઉપર ઠેકઠેકાણે નજરે પડી રહ્યું છે અને વાહનચાલકો અકસ્માતના ભયે પસાર થઇ રહ્યાં છે.

રાજ્યના પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાતી વાયબ્રન્ટ સમિટ વખતે સમગ્ર શહેરને શણગારવામાં આવે છે ત્યારે વીઆઇપી અને વીવીઆઇપીની સૌથી વધુ અવર જવર વાળા ખ માર્ગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ચકચકીત કરવામાં આવે છે. ત્યારે સમિટ વખતે અવર જવર કરતાં વાહનચાલકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

સમિટને પુર્ણ થયાને પણ ઘણો સમય થવા છતાં તંત્રની ગુણવતા વગરની કામગીરી ઉડીને આંખે વળગતી હોય તેમ હાલમાં આ માર્ગ ઉપર આવેલી ગટરોની બ્રાન્ચો વાહનોની અવર જવરના કારણે બેસી જવા પામી છે.

રોજના અસંખ્ય વાહનો આ માર્ગ ઉપર અવર જવર કરી રહ્યા છે. ત્યારે જે તે સમયે યોગ્ય કામગીરી કરવામાં ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. ત્યારે ઘણી ગટરો તો બિસ્માર બની જવાના કારણે બ્રાન્ચો પણ તુટી જવા પામી છે.

રાત્રીના સમયે વાહનચાલકો ને અકસ્માતનો સામનો કરીને પસાર થવાની નોબત આવી છે. અકસ્માત ન સર્જાય તે માટે ઘણી જગ્યાએ ગટરો ઉપર આડસ મુકી દેવામાં આવી છે પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના પગલે અવાર નવાર આ સમસ્યા ઉભી થાય છે અને તેનો ભોગ વાહનચાલકોને બનવું પડતું હોય છે.

Previous articleઅમદાવાદમાં રેલ કર્મચારીઓનાં ધરણાં, ખાનગીકરણ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો
Next articleઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેનો તખ્તો અંતે તૈયાર