દલખાણીયા રેન્જથી સિંહણનો મૃતદેહ મળી આવતા ઉગ્ર રોષ

493

અમરેલી પંથકના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી છ થી સાત વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળી આવતાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ હતી. સિંહણનો મૃતદેહ મળતાં સ્થાનિક વનવિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજીબાજુ, વન્યપ્રેમી અને સિંહપ્રેમીઓમાં સિંહણના મૃત્યુને લઇ ભારે ચિંતા અને નારાજગીની લાગણી પ્રસરી હતી. ગીર, દલખાણીયા રેન્જ સહિતના પંથકોમાં અને તેની આસપાસના વિસ્તારોમાંથી છાશવારે સિંહ-સિંહણના મોતની સામે આવતી ઘટનાઓ અને મળી આવતા આ પ્રકારે મૃતદેહોને લઇ તંત્ર સામે અનેકવાર સવાલો ઉઠયા છે અને ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ સિંહોના મોતને લઇ ગંભીર ચિંતા વ્યકત કરી તેમના રક્ષણ અને તેમને બચાવવા અસરકારક પગલાં લેવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને મહત્વના નિર્દેશ કર્યા છે તેમછતાં ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સિંહણનું મોત કેવી રીતે થયું તે કારણ અકબંધ છે.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. સિંહણના મોતને લઇને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ હાથ ધરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દલખાણીયા રેન્જમાં અગાઉ એકસાથે વાઇરસને કારણે ૨૩ સિંહોના મોત નીપજ્યા હતા, ત્યારે સિંહના મોતનો સિલસિલો યથાવત રહેતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી છે.

Previous articleગુજરાતમાં પાણીની કટોકટી : ડેમ ખાલીખમ છે
Next articleગુજરાતને શિક્ષણ ક્ષેત્રે રોલ મોડલ બનાવવાશે : રૂપાણી