ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે રોલ મોડલ બનાવવાશે : રૂપાણી

1075

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે  અને વિદ્યાર્થીઓને અભ્યાસ માં સમયાનુકુલ રસ રુચિ જાગે તે હેતુસર રાજ્યમાં વિઝ્‌યુલાઇઝેશન શાળાઓ ઉભી કરવાની નેમ દર્શાવી છે. આ માટે સ્ક્રીન અને પ્રોજેક્ટરની મદદથી વિઝ્‌યુલાઇઝેશન દ્વારા બાળકોને શિક્ષણ પુરુ પાડી ને ગુજરાતના બાળક ને વિશ્વ સમકક્ષ બનાવવા છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આજે અમદાવાદમાં આવેલ હીરામણિ સ્કુલ ખાતે અટલ ટીંકરીંગ લેબને ખુલ્લી મુક્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ નાનપણ થી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ નીતિ આયોગ દ્વારા શાળાઓને ૧૦ લાખની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે નિભાવણી માટે ૨ લાખ આપવામાં આવે છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ગુજરાતમાં ૨૫૦ શાળાઓની પસંદગી કરવામાં આવી છે તે પૈકી હીરામણિ સ્કુલની પસંદગી થઇ છે તે ગૌરવની વાત છે. વિજ્ઞાન અને ટેકનલોજીનો ઉપયોગ  અભ્યાસમાં વ્યાપક બને તે જરૂરી છે તે વાતનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે.

રાજ્યના ગરીબ કે અમીર સૌ વિદ્યાર્થીઓને સમાન તક મળે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ સરકારે  અમલમાં મૂકી હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું.              તેમણે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ બજેટ ફાળવી ને   ગુજરાત દેશભરમાં શિક્ષણક્ષેત્રે પણ દિશા દર્શન કરનારું રોલ મોડેલ બને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશોમાં પ્રવાસ કર્યા બાદ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ સ્વીકાર્યું હતું. આ માટે તેમણે ટીંકરીંગ લેબની યોજના અમલમાં મૂકી છે.આ ટીંકરીંગ લેબ એટલે નાના બાળકોની જિજ્ઞાસાઓને સંતોષવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું. અમદાવાદમાં આ યોજના હેઠળ ૧૬ સ્કુલોની પસંદગી થઇ છે.

Previous articleદલખાણીયા રેન્જથી સિંહણનો મૃતદેહ મળી આવતા ઉગ્ર રોષ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે