સેક્ટર-૪માં ૧૦૦થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ : અંધારપટ્ટ છવાયો

493

ગાંધીનગર શહેરમાં અવાર નવાર સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જવાના કારણે રાત્રીના સમયે અવર જવર કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સેક્ટર-૪માં ૧૦૦થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રીના સમયે અંધારપટ્ટ છવાયેલો રહે છે. જેના પગલે રહિશોને ચોરીનો ભય પણ સતાવી રહ્યો છે. તો બીજી તરફ ઘણા પોલના કવર ખુલ્લા હોવાથી સ્થાનિકો માટે જોખમી બન્યા છે.

રાજ્યના પાટનગરમાં આવેલાં સેક્ટરોના આંતરિક માર્ગો ઉપર અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ થવાની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. આ સ્ટ્રીટ લાઇટોનું સમયાંતરે મેઇન્ટેન્સ કરવામાં આવતું ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી રાત્રીના સમયે રહિશોને અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે સેક્ટર-૪માં છેલ્લા ઘણા દિવસોથી ૧૦૬ જેટલા થાંભલાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સમગ્ર વિસ્તારમાં રાત્રીના સમયે અંધારપટ્ટ છવાયેલો રહે છે.

જે અંગે સ્થાનિક રહિશોએ નગરસેવકને રજૂઆત કરતાં તેમને ચેકીંગ હાથ ધરીને વીજકંપનીને બંધ સ્ટ્રીટ લાઇટના પોલ અંગે જાણ પણ કરી છે. તો બીજી તરફ સેક્ટરમાં આવેલી ઘણી સ્ટ્રીટ લાઇટોના પોલના કવર ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. વીજ કંપની દ્વારા યોગ્ય રીતે મેઇન્ટેન્સ કરવામાં નહીં આવતાં ઘણી સ્ટ્રીટ લાઇટો થાંભલા ઉપર લટકેલી હાલતમાં નજરે પડી રહી છે.

સેક્ટરના સી વિભાગમાં પાંચ દિવસથી કેબલ ફોલ્ટ થવાના કારણે અડધી સ્ટ્રીટ લાઇટો બંધ છે. સમગ્ર સેક્ટરમાં રાત્રીના સમયે અંધારપટ્ટ છવાયેલો રહેતો હોવાના કારણે ચોરીનો ડર પણ રહિશોને સતાવી રહ્યો છે.જેથી સ્ટ્રીટ લાઇટોની મેઇન્ટેન્સ કરતી કંપની દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous article૨૦/૦૭/૨૦૧૯ના રોજ ગાંધીનગર જિલ્લાનાં આધાર કેન્દ્રો બંધ રહેશે
Next articleગાંધીનગરના ચ-રોડ ઉપર બે અંડરપાસ બનશે