જીઆઇડીસી વિસ્તારમાંથી કમળાના કેસ મળી આવ્યા

542

ગાંધીનગરના શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ જીઆઇડીસી વિસ્તારમાંથી કમળાના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે જેને લઇને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી પણ કરી છે. જેમાં એક ખાનગી ઓટોમોબાઇલ શો-રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓને કમળો થયો હોવાનું ખુલ્યું છે તેવી સ્થિતિમાં આ છુટાછવાયા કેસ રોગચાળાનું સ્વરૂપ ધારણ ન કરી લે તે માટે પાણીનું સુપર ક્લોરીનેશન કરવા પણ સુચના આપવામાં આવી છે.

ચોમાસુ શરૂ થાય તે પહેલા પ્રિ મોનસુન એક્ટીવીટીના ભાગરૂપે ગાંધીનગરમાં આપવામાં આવતા પાણી પુરવઠાનું ક્લોરીનેશન કરવા માટે ખાસ સુચના આપવામાં આવે છે. પરંતુ અન્ય સરકારી સુચના, આદેશો તથા પરિપત્રોની જેમ આ  આદેશનું પણ પાલન થતું નથી જેના કારણે ઝાડા-ઉલ્ટી સહિત અન્ય પાણીજન્ય બિમારીના છુટાછવાયા કેસ સતત જોવા મળી રહ્યા છે. ત્યારે નગરના છેવાડે આવેલા જીઆઇડીસી વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટી સહિત કમળાના છુટાછવાયા કેસ પ્રકાશમાં આવ્યા છે.

આ અંગે કોર્પોરેશનને જાણ થતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ  દ્વારા આ વિસ્તારમાં ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આવા છુટાછવાયા કેસ મળી આવ્યા હતા . એટલુ જ નહીં, ખાનગી ઓટોમોબાઇલ શો-રૂમમાં ફરજ બજવાતા ચાર જેટલા કર્મચારીઓને કમળો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આ શો-રૂમની ટાંકી સાફ કરવા માટે તાત્કાલિક સુચના આપવામાં આવી હતી. તો બીજીબાજુ આ આ ઝાડા-ઉલ્ટી અને કમળાના છુટાછવાયા કેસ રોગચાળાનું રૂપ ધારણ ન કરે તે માટે વિસ્તારમાં આપવામાં આવતા પાણી સપ્લાયનું સુપર ક્લોરીનેશન કરવા પણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાટનગર યોજના વિભાગને લેખિતમાં જણાવ્યું છે.

Previous articleગાંધીનગરમાં છ દાયકા બાદ આખરે ડ્રેનેજ લાઇન બદલાશે
Next articleઇન્દ્રોડામાં એક મહિનાથી ઉભરાતી ગટરો ગ્રામજનો માટે આફત બની