ગાંધીનગરમાં છ દાયકા બાદ આખરે ડ્રેનેજ લાઇન બદલાશે

491

રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થઇ તે વખતે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી હતી. કાળક્રમે આ લાઇન પણ બિસ્માર થઇ જવાને કારણે આ ગટરની લાઇન પણ આગામી દિવસોમાં બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

જો કે, આ માટે સમગ્ર પ્રોજેક્ટને મંજુરી મેળવવા માટે ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં પ્રથમ મુખ્ય લાઇનો બદલવામાં આવશે અને ત્યાર બાદ તબક્કાવાર માર્ગ અને મકાન વિભાગ દ્વાર સોસાયટી અને વસાહતોની પણ ગટરલાઇન બદલશે.

છ દાયકા પહેલા રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની રચના કરવામાં આવી ત્યારે ભવિષ્યના વિકાસ અને વસ્તીવધારાને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ જુના સેક્ટરો બાદ તબક્કાવાર નવા સેક્ટરો વિકસાવવામાં આવ્યા હતા ત્યાર બાદ છેલ્લા પાંચ-સાત વર્ષોથી ગાંધીનગર શહેરમાં વસ્તી વધવાને કારણે પ્રાથમિક જરૂરીયાતની સુવિધા પણ ઘટી રહી છે તેવી સ્થિતિમાં રહેણાંક વિસ્તાર વધવાને કારણે પાણી અને ગટરની લાઇનો બદલવાની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે.

આ અંગે વારંવાર વસાહત મંડળોની રજુઆતને ધ્યાનમાં રાખીને આખરે ગટર અને પાણીની જવાબદારી સંભાળતા પાટનગર યોજના વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇન બદલવાનું નક્કિ કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓની બેઠક મળી હતી .

આ બેઠકમાં ગાંધીનગરની ગટર લાઇનને બદલવાનો એક સુર ઉભો થયો હતો અને તેને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટો પણ મુકવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં નવા અને જુના સેક્ટરોમાં મુખ્ય તથા આંતરિક વિસ્તારની ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી કાગળ ઉપર શરૂ થઇ ગઇ છે.

ગાંધીનગરના સ્થાપના બાદ એટલે કે, છ દાયદા બાદ આખરે આ ગટર લાઇન બદલવામાં આવી રહી છે ત્યારે આ મોટા પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને તેની મંજુરી માટે આ પ્રોજેક્ટને ઉચ્ચકક્ષાએ પણ મુકવામાં આવશે. જ્યાંથી લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ મુખ્ય લાઇનો બદલ્યા બાદ તબક્કાવાર વસાહતોની અને સોસાયટીની આંતરિક લાઇનો નવી નાંખવામાં આવશે. તો ગટર બાદ પાણીની લાઇનો પણ ગાંધીનગરમાં બદલવામાં આવશે જો કે, આ અંગે હજુ સુધી કોઇ કાગળીયા થયા નથી.

Previous articleઆધારકાર્ડ માટે રોજ ૫૦ જ ફોર્મ આપવામાં આવે છે!
Next articleજીઆઇડીસી વિસ્તારમાંથી કમળાના કેસ મળી આવ્યા