શહેરમાં વરસાદી ઝાપટું પડયાં બાદ બફારો વધ્યો

475

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વાદળો છવાયા બાદ વરસાદ નહીં પડતાં ઉકળાટમાં પણ વધારો થયો હતો. ત્યારે સોમવારે સવારના સમયે વરસાદી ઝાપટું પડયું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજના પ્રમાણમાં વધારો નોંધાતાં બફારાથી નગરજનો આકુળવ્યાકુળ થઇ ગયા હતા.

ચોમાસાની મોસમનો આમ તો નિયત સમયે જ પ્રારંભ થયો હતો. તે વખતે વાયુ વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાના કારણે દિવસ દરમિયાન ગાંધીનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં વાદળો તો છવાતા હતા પરંતુ વરસાદ હાથતાળી આપીને ગાયબ થઇ જતો હતો. જેના પગલે દિનપ્રતિદિન મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થઇ રહ્યો હતો. તો બીજી તરફ દિવસ દરમિયાન ભેજના પ્રમાણમાં થઇ રહેલી વધઘટના પગલે ઉકળાટમાં પણ વધારો નોંધાતા તેની અસરનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો હતો.

તો છેલ્લા બે દિવસથી વાદળો બંધાતા હતા પરંતુ વરસાદ હાથતાળી આપીને પસાર થઇ જતો હતો ત્યારે સોમવારે સવારના સમયે વરસાદી ઝાપટું પડતાં થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન બફારામાં વધારો થવાના પગલે નગરજનો પણ આકુળવ્યાકુળ થઇ ગયા છે. આમ સવારના સમયે શહેરમાં છ એમ.એમ. જેટલો વરસાદ પડયો હતો. તો મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી અને લઘુત્તમ ૨૭ ડિગ્રીએ આવીને અટક્યું હતું .ત્યારે હજુ વધુ વરસાદ પડવાની ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે.

Previous articleવૉચમેનને ધાબળો ઓઢાડી ચાકુ બતાવીને ૧૦.૬૨ લાખની માલમતાની લુંટ
Next article૨૨.૬૪ કરોડના ખર્ચેં ૧૯૪૦ પ્રધાનમંત્રી આવાસો બનાવાયા