આદિવાસી કલાકારે ઘેરૈયાની ૪.૫ ફૂટની પ્રતિમા બનાવી, ઇંગ્લેન્ડના મ્યુઝિયમની શોભા બનશે

611

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના બાલુભાઇને તેમની મૂર્તિકળાએ આગવી ઓળખ અપાવી છે. અંતરીયાળ વિસ્તારના ગામની કલાની પ્રસંશા ઇંગ્લેન્ડ જેવા દેશે કરી છે. બાલુભાઇએ બનાવેલી કૃતિ ટૂંક સમયમાં જ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમા ભારત દેશની શાન બનશે.છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલા ભાષા કેન્દ્રએ આદિવાસીઓમાં છૂપાયેલી કળા પ્રતિભાને ઉજાગર કરવા પ્લેટફોર્મ પુરૂં પાડવાનું કામ કર્યું છે. અંતરીયાળ ગામડાઓમાં રહેલા કલાકારોની કલાને બહાર લાવવાનું કામ આ સંસ્થા કરી રહી છે. અવારનવાર સેમિનાર અને એક્ઝિબિશન યોજીને બહારથી લોકોને બોલાવવામાં આવે છે. અહીંના આદિવાસીઓની કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રાખવામાં આવે છે. આવી જ રીતે ઇંગ્લેન્ડના વતની અને કલાના કદરદાન માર્ક ઇલીયટ ૨૦૧૨માં ભારત આવ્યા હતા અને તેજગઢ ભાષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન માર્ક ઇલિયટે ભાષા કેન્દ્ર દ્વારા યોજાયેલા “આદીવાસીની આંખ ” પ્રદર્શનમાં અહીના આદીવાસીઓએ બનાવેલી કૃતિઓ નિહાળી હતી. જે પૈકી ઘેરૈયાની મૂર્તિ તેઓને ખુબ જ પસંદ પડી ગઇ હતી. ચાલુ વર્ષે મે મહિનામાં માર્ક ઇલિયટે ફરીથી તેજગઢની મુલાકાત લઇને ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગ કરી હતી.

Previous articleસંતાનોએ પિતાને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી
Next article૧૫૦મી ગાંધી જયંતી નિમિત્તે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી , સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો