સભ્ય વૃદ્ધિ અભિયાન હેઠળ ભાજપ આગેવાનોની મિટિંગ

597

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નેતૃત્વમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સભ્ય વૃદ્ધિ અભિયાન હેઠળ ગુજરાતના જુદા જુદા સહકારી ક્ષેત્રોના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીએ તમામ આગેવાનોને સભ્ય વૃદ્ધિ અભિયાનના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું. વાઘાણીએ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જે રીતે જનાદેશ ઐતિહાસિકરીતે પ્રજાએ આપ્યો છે તેનાથી જવાબદારીઓ અનેકગણી વધી ગઈ છે.સમાજનો જેમ જેમ વિસ્તાર થતો જાય છે તેમ તેમ ભાજપની વિચારધારાનો વ્યાપ સતત વધે તે ખુબ જરૂરી છે. ભવિષ્યના ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ સંગઠન પર્વ દ્વારા થાય છે. સમાજના દરેક વિસ્તારનો એક વર્ગ ભાજપ સાથે જોડાય તે રીતે સભ્ય વૃદ્ધિ અભિયાન દ્વારા દરેક બૂથ સુધી ભાજપનો વ્યાપ વધુને વધુ મજબૂત કરવાની જરૂર છે. બેઠકમાં ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, સંગઠન પર્વના પ્રદેશ અધિકારી ભાર્ગવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નરહરી અમીન તથા ગુજરાતભરના વિવિધ સહકારી ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સતત બીજી અવધિમાં સ્પષ્ટ બહુમતિ મળી હતી. વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં વધારે સીટો મળી હતી. ભાજપને આ વખતે યોજાયેલી ચૂંટણીમાં એકલા હાથે ૩૦૩ સીટો મળી હતી. નરેન્દ્ર મોદી લહેર વચ્ચે ભાજપને પ્રચંડ બહુમતિ મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય વૃદ્ધિ અભિયાનની શરૂઆત દેશભરમાં કરવામાં આવી હતી જેમાં મોદી પોતે પણ વારાણસીમાં જોડાયા હતા.

Previous articleદ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનો જામેલો માહોલ
Next articleસ્ટેમ્પ ડ્યુટીની રકમમાં વધારો સુચવતુ બિલ પસાર