દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનો જામેલો માહોલ

584

ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદ થયો છે. વરસાદી માહોલ હજુ અકબંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં પડી શકે છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ તંત્ર સાવચેત થઇ ગયેલું છે. દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા ડેમે સૌપ્રથમ ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી લીધી છે. આજે સવારે ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમની જળ રાશિમાં ૧૫૩૬૨ ક્યુસેક પાણીનો વધારો થયો છે. સાથે સાથે ૧૩૬૯૦ ક્યુસેક પાણીની જાવક થઇ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન આજે સૌપ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને આગળ વધી ગયું હતું. નર્મદા ડેમ સાઇડ ખાતે કેનાલ હેન્ડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટો પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦થી વધુ જિલ્લામાં વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હોવા છતાં તંત્ર હજુ વરસાદને લઇને આશાવાદી છે. કામરેજ, મહેસાણા, પલસાણા, તાપી, દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થયો છે.

બનાસકાંઠા અને સાબરકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવે ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં બે કલાક વધુ વિજ

ઉર્જામંત્રી સૌરભ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વિજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદો જુદો વરસાદ થયો છે ત્યારે જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં જરૂર પડશે ત્યાં સુધી ખેડૂતોને હાલ જે વિજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે તેમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો વિજ પુરવઠો ખેડૂતોને આપવા માટે રૂપિયા ૩૦૦થી ૫૦૦ કરોડની સબસિડી રાજ્ય સરકાર ખેડૂતો વતી ભોગવશે.

પાણીની આવક વધતા મધુબન ડેમના ૮ દરવાજા ૨ મીટર સુધી ખોલાયા

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં બે કાંઠે વહી રહ્યા છે. તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ સુધી પહોંચ્યું છે. આથી ડેમનું રૂલ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમના ૮ દરવાજા ૨ મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.

કપરાડામાં સવારે બે કલાક માં ૨ ઇંચ વરસાદ ખાબકયો હતો. ધોધમાર વરસાદથી સીલધા ગામ નજીક બે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

સિલધાંના હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

 

Previous articleધો.-૫, ૮ના વિદ્યાર્થીને ફેલ કરવાનો નિયમ આ વર્ષે લાગૂ
Next articleસભ્ય વૃદ્ધિ અભિયાન હેઠળ ભાજપ આગેવાનોની મિટિંગ