શેરબજારની દિશા નક્કી કરવામાં વિવિધ પરિબળોની ભૂમિકા રહેશે

388

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન જોરદાર ઘટાડો થયા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં જુદા જુદા પરિબળોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી શકે છે જેમાં ફેડની મિટિંગ, ત્રિમાસિક ગાળાના પરિણામોનો સમાવેશ થાય છે. દલાલ સ્ટ્રીટમાં ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો, અમેરિકા અને ચીન વચ્ચેની મંત્રણાની પણ અસર રહેશે. જીએસટી કાઉન્સિલની મિટિંગના પરિણામની અસર પણ જોવા મળશે. ડઝન જેટલી નિફ્ટીની કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે સોમવારના દિવસે ડોક્ટર રેડ્ડી લેબના જૂન ત્રિમાસિકગાળાના પરિણામના આંકડા જારી કરાશે. એક્સિસ બેંક, હિરો મોટોના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરાશે જ્યારે યુપીએલ, આઈઓસીના પરિણામ બુધવારે અને એસબીઆઈ, આઈટીસી, એચડીએફસી, ભારતી એરટેલ અને પાવરગ્રીડના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. એનએમડીસી, અશોક લેલેન્ડ અને ડીએચએફએલ દ્વારા પણ આ સપ્તાહમાં જ તેમના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે. જીએસટી કાઉન્સિલની બેઠક શનિવારના દિવસે યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે. નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક બસ ભાડે લેવા પર સ્થાનિક સંસ્થાઓને જીએસટીથી છૂટ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની ૩૬મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. દેશમાં ઈ-વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદકો પણ જીએસટી ઓછી કરવાની માગ કરી રહ્યા હતા. સરકારે બજેટમાં પણ જાહેરાત કરી હતી કે ઈ-વાહનોની લોન પર ૧.૫ લાખ રૂપિયા સુધીનું વ્યાજ ચુકવવાથી ટેક્સમાં છૂટનો લાભ આપવામાં આવશે. બીજી બાજુ શાંઘાઈમાં અમેરિકા અને ચીન વચ્ચે બેઠક યોજાનાર છે જેમાં ટ્રેડ વોરના મામલામાં ચર્ચા થશે. વેપાર મંત્રણાને લઇને નવી આશા જાગી છે. હાઈ ફ્રિકવન્સી ડેટા પણ જારી કરાશે જેમાં જીએસટી કલેક્શનના આંકડાનો સમાવેશ થાય છે. આરબીઆઈ પોલિસી મિટીંગ પણ ૫મી અને ૭મી ઓગસ્ટના દિવસે મળશે.

Previous articleFPI દ્વારા જુલાઈ માસમાં કુલ ૩૭૫૮ કરોડ ખેંચાયા
Next articleપેપ્સીકો યુપીમાં ગ્રીનફિલ્ડ સ્નેક્સ યુનિટ માટે તૈયાર