BRTSમાં ખોટનો વેપારઃ નવ વર્ષમાં અધધધ..૨૫૩.૫૪ કરોડનું નુકસાન.!!

527

મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસનો બીજો જાહેર પરિવહન સેવાનો વિકલ્પ આપવા માટે અમદાવાદ જનમાર્ગ લિ. નામની કંપની સ્થપાઇ છે, જોકે આ કંપની મ્યુનિ. કોર્પોરેશનની સો ટકા પેટાકંપની હોઇ એમઓયુ મુજબ મ્યુનિ. કમિશનર અમદાવાદ જનમાર્ગ લિ.ના અધ્યક્ષ છે એટલે મ્યુનિ. કોર્પો. સીધી રીતે બીઆરટીએસ બસના સંચાલન માટે જવાબદાર છે.

જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે એએમટીએસની જેમ બીઆરટીએસ પણ ખોટના ઊંડા ખાડામાં ધકેલાઇ રહી છે. ખુદ તંત્ર દ્વારા આપેલા આંકડા મુજબ બીઆરટીએસને છેલ્લાં નવ વર્ષમાં રૂ.રપ૩.પ૪ કરોડની ખોટ થઇ છે એટલે કે બીઆરટીએસ પણ મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ માટે ખોટનો વેપાર બની છે.

અમદાવાદીઓને ઝડપી વિશ્વસનીય ઇકો ફ્રેન્ડલી અને એડ્‌વાન્સ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સેવા પૂરી પાડવા મ્યુનિ. કોર્પો. દ્વારા પ્રારંભે આરટીઓથી ચંદ્રનગર સુધીના રૂટ પર બીઆરટીએસ બસ સેવા ચલાવાઇ હતી, જ્યારે આજની સ્થિતિમાં અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા કુલ ૯૭ કિ.મી.નો વ્યાપ ધરાવતી બીઆરટીએસ સર્વિસ પર ૧૮૪ એસી બસ સહિત રપ૦ બસનો કાફલો છે, જે પૈકી દરરોજ ર૩૧ બસ રોડ પર દોડે છે અને ૧.પ૦ લાખ રોજિંદા પેસેન્જર્સને તંત્રને ૧૮ થી ર૦ લાખની આવક થાય છે, જોકે આવકની સામે બસના સંચાલનનો ખર્ચ પાંચ ગણો છે.

સરસપુર-રખિયાલના કોર્પોરેટર તૌફિકખાન પઠાણ કહે છે, ગત ૧૪ ઓક્ટોબર, ર૦૦૯થી બીઆરટીએસ બસ સર્વિસનો પ્રારંભ કરાયો હતો, જોકે શરૂઆતથી બીઆરટીએસ બસ સર્વિસમાં ખોટ થઇ રહી છે.

Previous articleટ્રકમાંથી પોલીસે ૧૧.૧૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
Next articleપ્રેમિકાને હેરાન કરતો હોવાથી જૂના મિત્રે જ શિહોલીના યુવકની હત્યા કરી હતી