ટ્રકમાંથી પોલીસે ૧૧.૧૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

504

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પેથાપુર પોલીસે ગઈકાલે મોડી સાંજે પેથાપુર ચાર રસ્તા પાસેથી હરિયાણા પાસ’ગને ઝડપી પાડયું હતું અને તેમાંથી વિદેશી દારૂની ૩૧૧ પેટી એટલે કે ૩૭૩૨ બોટલ કબ્જે કરી હતી. ૧૧.૧૯ લાખના આ વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને કુલ ૨૪.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજયોની બોર્ડરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં આવે છે ત્યારે આ દારૂનો જથ્થો ગુજરાતના દરેક જિલ્લાના ખુણેખુણે સરળતાથી મળી રહયો છે. બુટલેગરો દ્વારા મસમોટુ નેટવર્ક ગોઠવીને ગામડાઓ સુધી આ દારૂ પહોંચાડતા હોય છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂના જથ્થાને પકડવા માટે ખાસ વોચ રાખવામાં આવી રહી છે અને ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની આ બદીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા  ખાસ સૂચના આપવામાં આવી છે ત્યારે પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જી.એનુરકારને બાતમી મળી હતી કે હરિયાણાના ટ્રેલર ટ્રક નં. એચઆર-૮૪-૬૦૦૭નું ચિલોડાથી ગાંધીનગર થઈ પેથાપુર તરફ પસાર થવાનું છે જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે.

આ બાતમીના આધારે પો.કો.ધીરેન્દ્રસિંહ, જયપાલસિંહ, હે.કો.અમરતભાઈ, પો.કો.અનિલસિંહ, જયેન્દ્રસિંહ, સંજયસિંહ અને પ્રદિપસિંહે પેથાપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળું આ ટ્રેલર આવતાં તેને ઉભું રાખ્યું હતું અને તેમાં તપાસ કરતાં ખોળના કટ્ટા નીચે વિદેશી દારૂની ૩૧૧ પેટી એટલે કે ૩૭૩૨ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. પોલીસે ટ્રકમાં સવાર હરિયાણાના ડ્રાઈવર સંદીપ ઉર્ફે કાલા ધર્મવીર કુંડુ, કલીનર રાહુલ કુલદીપસિંહ ડબાસ અને ધરમપુર ભુંડીયાના પ્રવિણસિંહ મનુસિંહ રાણાને ઝડપી પાડયા હતા.

આ સાથે પોલીસે ૧૧.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ૧૦ લાખના ટ્રક સાથે અન્ય ચીજવસ્તુ મળી કુલ ર૪.૪પ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એટલું જ નહીં આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી લવાયો હોવાનું બહાર આવતાં પોલીસે હરિયાણાના અનુ જાટ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂ અમદાવાદમાં પહોંચાડવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહયું છે.

Previous articleગંદા પાણીથી ખેતી કરવામાં ભારત અગ્રીમ સ્થાને, રાજ્યમાં મબલક ઝેરી શાકભાજીનું ઉત્પાદન
Next articleBRTSમાં ખોટનો વેપારઃ નવ વર્ષમાં અધધધ..૨૫૩.૫૪ કરોડનું નુકસાન.!!