ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટ્યુ

518

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મોનસુન જોરદાર રીતે સક્રિય થયેલું છે. જેના ભાગરૂપે હાલમાં ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ જામેલો છે. જોકે, આજે રવિવારના દિવસે વરસાદનું જોર ઘટતા તંત્રને આંશિક રાહત થઈ હતી. પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે યથાવત રીતે જારી રાખવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં હાલ અતિભારે વરસાદ થયો છે. કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સ્થિતિને હળવી કરવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. વરસાદનું જોર ઘટ્યા બાદ તંત્ર દ્વારા રાહત કામગીરી વધુ ઝડપી કરવામાં આવી હતી. સાફ સફાઈ અભિયાનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને દ્ધારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં વરસાદ સંબંધિત બનાવોમાં હજુ સુધી ૨૨થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. બંગાળની ખાડીનાં લો-પ્રેશરની અસરોથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગથી ગુજરાતમાં અત્યારસુધી સીઝનનો કુલ ૮૪ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો નહી થાય. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવાર રાતથી શનિવાર સવાર સુધી રાજ્યમાં અનરાધાર વરસાદથી તા.૧ જુનથી તા.૧૦ ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ ૪૫૮.૮ મીમી વરસાદની સામે ૫૨૮.૮ મીમી વરસાદ એટલે કે સરેરાશ કરતાં ૧૫ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, ચોમાસાની સીઝનને લઇ અત્યારસુધીમાં રાજ્યના ૬ જિલ્લામાં ૧૦૦ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૦થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના નખત્રણામાં ૧૩ ઈંચ વરસાદ વરસ્યો છે. ૨૪ કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ ૨૫ ઈંચ અને સીઝનનો ૨૭ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ત્રણ દિવસમાં ધોધમાર વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૬૫ મીટર થઈ જતાં ડેમનાં ગેટ ફરી એકવાર ખોલાયા છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી ૩૩૪.૯૩ મીટર થઈ છે. ડેમોમાં પાણીની આવક વધતાં ગુજરાતને હવે એક વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, કચ્છના નખત્રાણામાં ૧૩ ઇંચ, મોરબીના ટંકારામાં ૧૧ ઇંચ, મોરબીમાં ૧૧ ઇંચ, અબડાસામાં ૧૦ ઇઁચ, કચ્છના રાપરમાં નવ ઇંચ, ધ્રાંગધ્રામાં નવ ઇંચ, લખપતમાં આઠ ઇંચ, જામનગરના કાલાવડમાં આઠ ઇંચ, માળીયામીયાંણામાં નવ ઇંચ અને રાજકોટના લોધિકામાં આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  ગુજરાતમાં વરસાદમાં બ્રેક રહેતા તંત્રને મોટી રાહત થઈ છે. રાહત પગલા તીવ્ર કરાયા છે.

Previous articleબગોદરા-ધંધુકા હાઈવે ભારે વરસાદના પગલે બંધ કરાયો
Next articleપુર, હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવા ગાજી મરીન તૈયારીમાં