ડોક્ટરની બેદરકારીથી પરિણીતાનાં મોત મામલે મહિલા તબીબની ધરપકડ

759

લુણાવાડાની આરોપી હોસ્પિટલની મહિલા ડોક્ટરની બેદરકારીને કારણે લુણવાડા તાલુકાના પાદડી ગામની ગર્ભવતી મહિલાએ ૯ જાન્યુઆરીએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. લુણાવાડા પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર શૈલા ભુર્યાની ધરપકડ કરીને તેને સંતરામપુર જેલમાં મોકલી આપી છે. ગર્ભવતી મહિલાની ડિલિવરી આરોહી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. અને ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં રૂનો જથ્થો રહી જતા તેનું મોત નીપજ્યું હતું.મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાદડી ગામની મહિલા ગીતાબેન જયંતિભાઇ ખાંટ(૩૩) ગર્ભવતી હોવાથી તેની સારવાર લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં ચાલતી હતી. ૪ જાન્યુઆરીએ મહિલા ગીતાબેન પતિ જંયતિભાઇ સાથે તપાસ કરાવવા માટે કોટેજ હોસ્પિટલમાં ગઇ હતી. મહિલાને ૯ માસનો ગર્ભ હોવાથી વધુ સારવાર માટે આરોહી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લુણાવાડાની આરોહી હોસ્પિટલમાં ૫ જાન્યુઆરીએ મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં તેને પુત્રનો જન્મ આપ્યો હતો. આ દરમિયાન ૭ જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે મહિલાનું પેટ અચાનક જ ફૂલી ગયું હતું. જેથી પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. મહિલાને તુરંત જ આરોહી હોસ્પિટલમાંથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને પેટમાં દુખાવો અને ઉલટીઓ શરૂ થઇ ગઇ હતી. જેથી ૮ જાન્યુઆરીએ મહિલાનું સયાજી હોસ્પિટલમાં પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાના પેટમાંથી ૨૦ બાય ૨૫ સેન્ટી મીટરની સાઇઝનું રૂ મળી આવ્યું હતું. મહિલાની હાલત ગંભીર હોવાથી મહિલાનું ૯ જાન્યુઆરીએ સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ કેસમાં લુણાવાડા પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર શૈલા ભુર્યાની ધરપકડ કરી હતી અને તેને સંતરામપુર જેલમાં મોકલી આપી હતી.

Previous articleસેંસેક્સ બાવન પોઇન્ટ સુધરી ૩૭,૪૦૨ની નવી સપાટી પર
Next articleભુંડ-રોઝના ત્રાસથી કંટાળી ખેડૂતોનો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ, ૬ની અટકાયત