ભુંડ-રોઝના ત્રાસથી કંટાળી ખેડૂતોનો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ, ૬ની અટકાયત

557

ભૂંડ અને રોઝના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ કિસાનસંઘની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ધરણાં પર બેઠા હતા અને કલેક્ટર ખેડૂતના જટીલ પ્રશ્નો અને તેઓની રજૂઆત સાંભળે તેવી જીદ કરી હતી. જેથી કલેક્ટરે ૫ ખેડૂત આગેવાનને મળવા બોલાવ્યા હતા. પરંતુ આવેદનપત્રનો સ્વીકાર ન કરતાં ખેડૂતોએ આવેદનપત્ર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસે કિસાનસંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ૬ ખેડૂતોની અટકાયત કરી હતી. કિસાન સંઘની આગેવાનીમાં વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ’રોઝ અને ભુંડને ભગાવો, ખેતી અને ખેડૂતને બચાવો’ અને ’રોઝ અને ભુંડના હુમલાથી ભોગ બનેલા ખેડૂતને તાત્કાલિક સહાય આપો’ના વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ભુંડના હુમલાથી ભોગ બનેલા ખેડૂતને તાત્કાલિક સહાય આપવા માંગ કરી હતી.

થોડા સમય પહેલા જ જામકંડોરણા તાલુકામાં ભુંડે ખેડૂત પર હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી ખેડૂતોમાં ભારે રોષ મળી રહ્યો છે. ખેડૂતોએ આવેદનપત્રની હોળી બનાવીને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આગામી દિવોસમાં પણ જલદ કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે.

Previous articleડોક્ટરની બેદરકારીથી પરિણીતાનાં મોત મામલે મહિલા તબીબની ધરપકડ
Next articleપાનની પિચકારી મારતા લોકો સાવધાન..!! શાન ઠેકાણે લાવવા હવે ઘરે મેમો આવશે