મનપામાં સમાવાયેલાં શહેરી ગામો ૭ વર્ષે પણ સુવિધાથી વંચિત

447

ધોળાકૂવા, ઇન્દ્રોડા, પાલજ, બોરીજ સહિતનાં શહેરી ગામોનો મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો હોવા છતાં મનપા કાર્યરત થયાના ૭ વર્ષ બાદ પણ શહેરના જેવી પાયાની સુવિધાઓ મળી નથી. માળખાકીય સગવડોથી વંચિત રહેલાં આ ગામોના વિસ્તારને સુવિધાઓ આપવાની રજૂઆતો સાથે સ્થાનિક કોંગી નગરસેવકો પાસે ગ્રામજનો અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે અને ભૂતકાળમાં નગરસેવકોએ કલેક્ટર અને સરકાર કક્ષાએ આવેદન આપ્યા છે.

શહેરી ગામોમાં વર્ષોથી એકસરખી અસુવિધા અને અગવડો જોવા મળી રહી છે. ચોમાસાના દિવસોમાં કાચા રસ્તા કાદવ-કીચડથી ખદબદતા હોવાથી વ્યાપક ગંદકી ફેલાય છે. કચરો ઠાલવવા માટે કન્ટેનર પણ જરૂરી સંખ્યામાં હોતા નથી. પાણીની અને ખાળકૂવાની લાઇન એકબીજામાં ભળી જતાં રોગચાળો ફેલાવાની દહેશત આ વખતે પણ વ્યક્ત કરાઇ છે.

સ્થાનિક કોંગી નગરસેવક હસમુખ મકવાણાએ જણાવ્યું કે તેમણે અને વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા આ સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને સરકારમાં અનેક રજૂઆતો કરાઇ છે. પરંતુ પાટનગર યોજના વિભાગ દ્વારા જાણી જોઈને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાથી પ્રજાને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે.

મહાપાલિકા વિસ્તારના સેક્ટરોમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સફાઇ જેવી માળખાકીય સુવિધા માટે જે યોજનાઓ કરવામાં આવે છે, તેની સાથે જ શહેરી ગામોનું આયોજન કરવામાં આવતું નથી. ગામડાઓ માટે અલગથી બજેટમાં ફાળવણીના કારણે પણ અહીં સમયસર કામ ચાલુ અને પુરા થતાં નથી.

શહેરી ગામડાના વિસ્તારોમાં મોટાભાગે કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનતા હોવાથી તેઓ બદનામ થાય અને મતદારો જાકારો આપે તેના માટે સુવિધા અને વિકાસ કામોને લઇને ઓરમાયુ વર્તન રાખવામાં આવતું હોવાનો આરોપ દરેક કોંગ્રેસી કોર્પોરેટર એકથી વધુ વખત સામાન્ય સભામાં પણ કરી ચૂક્યા છે.

Previous article૮૫૦૦ કરોડના કૌભાંડ મામલે આદર્શ ક્રેડિટ કો. ઓ.સો. સામે CID ક્રાઇમનો સકંજો
Next articleભરચોમાસે જ સ્માર્ટ સિટીમાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણઃ સેક્ટરવાસીઓ પરેશાન