સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ટોળું ૧૮૫ ગાયને છોડાવી જતા અફરાતફરી

424

આજે જન્માષ્ટમી હોવા છતાં ગાયો કેમ છોડી નથી તેમ કહીને વીસથી ત્રીસ જેટલા લોકોએ ગત શનિવારની મધ્યરાત્રીએ લાકડી અને ગડદાપાટુનો માર મારીને સિક્યુરીટી સહિતના કર્મચારીઓની ઉપર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ટોળાના અમુક લોકો ચાવી લઇને ઢોર ડબ્બો ખોલીને ૧૮૫ ગાયોને છોડાવી ગયા હતા. આ મામલે ફરિયાદ આપતા સેક્ટર ૨૧ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સેક્ટર-૨૧ પોલીસ સૂત્રો મુજબ સેક્ટર-૨-એ, પ્લોટનં. ૧૨૭૬/૨ ખાતે રહેતા ઇશ્વરભાઇ ભીમાભાઇ વાણીયા જીઆઇએસ એફ માં સિક્યુરીટી તરીકે નોકરી કરે છે. જન્માષ્ટમીના રાત્રે સેક્ટર-૩૦ના ઢોરવાડા ખાતે ફરજ બજાવતા હતા. તેમની સાથે ગનમેન તેજમલભાઇ દેસાઇ તહેવાર હોવાથી જ્યારે શંભુપ્રસાદ વાઘેલા તબિયત સારી નહી હોવાથી ઘરે જતા રહ્યા હતા. જ્યારે ઢોર ડબ્બા ખાતે રમણભાઇ શંકરભાઇ રાવત અને ઇશ્વરભાઇ વાણીયા ફરજ બજાવતા હતા.

રાત્રે બે વાગ્યાના સુમારે ટોળાએ આવીને આજે જન્માષ્ટમી હોવા છતાં ગાયોને કેમ છોડી નથી. તેમ કહીને ગાળો બોલીને ગડદાપાટુ અને લાકડીથી મારવા લાગ્યા હતા. અન્ય શખસોએ પશુ દવાખાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યાર બાદ ઢોર ડબ્બાની ચાવી માંગતા ખબર નથી હોવાનું કહ્યું હતું. આથી લાકડીથી માર્યા બાદ સિક્યુરિટી ઓફિસમાંથી ચાવી લઇને ઢોરવાડાનું તાળું ખોલીને ૧૮૫ જેટલી ગાયને છોડાવી ગયા હતા. આ શખસોમાંથી એક વ્યક્તિનું નામ શંભુભાઇ લલ્લુભાઇ રબારી હતું. અંધારુ હોવાથી અન્યને ઓળખી શક્યો ન હતો આથી સિક્યુરીટીએ શંભુભાઇ રબારી તેમજ અજાણ્યા વીસથી ત્રીસ જેટલા રબારી અને ભરવાડ સમાજના લોકોની વિરૂદ્ધ સેક્ટર-૨૧ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઢોરવાડામાંથી ગાયો છોડાવી જવાના બનાવ બાદ સિક્યુરિટી જવાને પોલીસ તેમજ મહાપાલિકાના અધિકારીઓને ફોન કરીને જાણ કરતા તેઓ મધ્યરાત્રીએ દોડી આવીને બનાવની વિગતો મેળવી હતી.

ઢોરવાડા ઉપર હુમલો કરનારા લોકોએ ફરજ બજાવતા કર્મચારીઓના મોબાઇલ લઇ લીધા હતા. જોકે ગાયો છોડાવી લીધા બાદ કર્મચારીઓના મોબાઇલને ત્યાં પરત મુકીને જતા રહ્યા હતા. ઢોરવાડાની સલામતી માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. ઉપરાંત હુમલો કરનારા લોકોને ઝડપી લેવામાં આવશે તેમ ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું.જન્માષ્ટમીના દિવસે જ શહેરમાં બનેલી આવી ઘટનાથી થોડો સમય શહેરમાં ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી.

Previous articleCM કોન્વોયની કારે ગાંધીનગરમાં બાઈક સવારને ટક્કર મારી, મહિલા ઈજાગ્રસ્ત
Next articleસરકાર સામે વિરોધ, ૮ હજાર રેવન્યૂ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા