ઉથલપાથલ વચ્ચે શેરબજાર ફરી એકવાર મંદીમાં ગરકાવ

390

શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. મૂડીરોકાણકારો ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન સિરિઝની પૂર્ણાહૂતિ પહેલા તેમની સ્થિતિ ફરી હાંસલ કરી લીધી છે. ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન સિરિઝની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં મંદી તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાને લઇને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે રોકાણકારો દિશાહીન દેખાઈ રહ્યા છે. આના કારણે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું છે. બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૧૮૯ પોઇન્ટ ઘટીને ૩૭૪૫૨ની નીચી સપાટીએ રહ્યો છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ સુઝુકી અને એચડીએફસી બેંક સહિત અનેક હેવીવેઇટ શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈમાં ૩૦ શેર પૈકી ૨૩ શેરમાં મંદી રહી હતી. એચસીએલ ટેક, ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા જેવા શેરમાં તેજીનો માહોલ રહ્યો હતો. જ્યારે યશ બેંક, તાતા સ્ટીલ, વેદાંતા, ઓએનજીસી સહિતના શેરમાં સૌથી વધુ મંદી રહી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન એક વખતે સેંસેક્સ ૩૯૨ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. બ્રોડર નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૧૦૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર વેળા નિફ્ટીમાં પણ ૧૦૯૮૮ની નીચી સપાટી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો રિયાલીટીના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૨.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૪ ટકાનો અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૫૬ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૫૦૮ રહી હતી. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારને ૧.૭૬ લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. શેરબજારમાં ગઇકાલે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ સુધરીને ૩૭૬૪૧ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલે નિફ્ટીમાં ૪૮ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૧૧૦૫ નોંધાઈ હતી.

Previous articleભારત સામેની બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૩ સભ્યોની ટીમ જાહેર કરી
Next articleએટીએમથી હવે ૧૦ હજાર ઉપાડવા ઉપર ઓટીપી રહેશે