શેરબજારમાં જીડીપી ડેટા સહિત પાંચ પરિબળની અસર રહી શકે

327

નાણામંત્રી નિર્મલા સીતારામને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા શ્રેણીબદ્ધ પગલા જાહેર કર્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ રહેવાની શક્યતા છે. અલબત્ત જુદા જુદા પરિબળોના લીધે હાલ નિરાશા પણ જોવા મળી શકે છે. તહેવારોના કારણે નવા કારોબારી સેશનમાં ઓછા દિવસો રહેશે. ઓટોના વેચાણ, જીડીપીના આંકડા અને અન્ય માઇક્રો ડેટા સહિત પાંચ પરિબળો દલાલસ્ટ્રીટમાં શેરબજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ ૬૩૧ પોઇન્ટ સુધરીને ૩૭૩૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૩ પોઇન્ટ સુધરીને ૧૧૦૨૩ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો. શેરબજારમાં જુદા જુદા પરિબળો દેખાઈ રહ્યા છે. ૨૩મી ઓગસ્ટના દિવસે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે સાથે ૧.૭૬ લાખ કરોડ રૂપિયાની રકમ સરકારને આરબીઆઈ તરફથી ટ્રાન્સફર કરવામાં આવનાર છે. આ તમામ જાહેરાતો વચ્ચે શેરબજારમાં તેજી આવી છે. આવતીકાલે શેરબજારમાં ગણેશ ચતુર્થીની રજા રહેશે. જે પાંચ પરિબળોની અસર રહેનાર છે તેમાં ઓટો વેચાણના આંકડાની અસર મુખ્યરીતે જોવા મળશે. સોમવારથી ઓગસ્ટ મહિના માટેના તેમના માસિક વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોથી-પાંચમી સપ્ટેમ્બરના દિવસે રશિયાની યાત્રા ઉપર પણ નજર રહેશે. કારણ કે, આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે એક નવા પ્રકરણની શરૂઆત થઇ શકે છે. ડિફેન્સ, ટ્રેડ, સિવિલ ન્યુક્લિયર એનર્જી અને હાઈડ્રો કાર્બનના ક્ષેત્રમાં સમજૂતી કરવામાં આવી શકે છે. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં સીધીરીતે પ્રતિક્રિયા જોવા મળી શકે છે. વૈશ્વિક મોરચા ઉપર અમેરિકા તરફથી જારી કરવામાં આવનાર માઇક્રો ઈકોનોમીક ડેટાની અસર પણ જોવા મળશે. બીજી બાજુ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલી જારી રાખવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં ૫૯૨૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચવામાં આવી ચુકી છે. જે સંકેત આપે છે કે, વિદેશી રોકાણકારો હજુ સુધી મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યા નથી. જીડીપીનો આંકડો નીચલી સપાટી ઉપર પહોંચી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્થવ્યવસ્થામાં મંદીની સમસ્યાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારને આર્થિક વિકાસના મોરચા ઉપર મોટો ફટકો પડ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં આર્થિક વિકાસ દર ઘટીને માત્ર પાંચ ટકા થઇ ગયો છે જે સાડા છ વર્ષમાં સૌથી નીચી સપાટી ઉપર છે. શુક્રવારના દિવસે બજારમાં કલાકો બાદ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આની સીધી અસર મંગળવારે જોવા મળી શકે છે. છેલ્લા નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર ૫.૮ ટકા રહ્યો હતો. શુક્રવારે સરકાર દ્વારા આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. દેશમાં સ્થાનિક માંગમાં ઘટાડો તથા મૂડીરોકાણની સ્થિતિ સારી નહીં રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જૂન ત્રિમાસિક ગાળામાં વિકાસ દરનો આંકડો પહેલાથી વધારે રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થા દર વર્ષના આધાર પર માત્ર પાંચ ટકાના દરે હાથ ધર્યો છે. વિકાસદરનો આ આંકડો બજારના ૫.૭ ટકાની આશા પર રહ્યો છે. વર્ષ ૨૦૧૩ બાદ જીડીપી ગ્રોથનો આંકડો સૌથી ખરાબ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના ૧૨.૧ ટકાની સરખામણીમાં ૦.૬ ટકાના દરે આગળ વધ્યો છે. એગ્રીકલ્ચર, ફોરેસ્ટ, ફિશિંગ સેક્ટરમાં છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૫.૧ ટકાની તુલનામાં તે ૨ ટકાના દરે આગળ વધ્યો છે. માઇનિંગ સેક્ટર છેલ્લા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૦.૪ ટકાની સરખામણીમાં ૨.૭ ટકાના દરે આગળ વધ્યો છે.

Previous articleબજારની અપેક્ષા વચ્ચે ઘણા ઇકોનોમિક આંક જારી થશે
Next articleતત્કાલ ટિકિટ બૂકિંગમાંથી રેલવેને ચાર વર્ષમાં ૨૫૦૦૦ કરોડની આવક