ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયીઃ ૮ના મોત

211

જી.એન.એસ)ગોંડા,તા.૨
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં મંગળવારની રાતે મોટી દુર્ઘટના પરિણમી હતી, જેમાં વજીરગંજ ક્ષેત્રના ટિકરી ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનામાં ૨ મકાન ધરાશાયી થયાં હતાં. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ મકાનના કાટમાળની અંદર ૧૪ લોકો દટાઈ ગયા હતા, ૮ મૃતકોમાં ૨ પુરુષ, ૨ મહિલા અને ૪ બાળકનો પણ સમાવેશ થાય છે. આમાં ૬ ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. આ તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાર પછી તમામને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયાં છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનાને પરિણામે દુઃખ પ્રગટ કર્યું હતું. તેમણે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચીને રાહતકાર્ય કરવા માટે આદેશ આપ્યો હતો.
ઘટનાને પરિણામે યોગીએ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા પણ આદેશ આપ્યો હતો.
આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટિકરી ગામના નિવાસી નુરુલ હસન પાસે ફટાકડા બનાવવાનું પણ લાઇસન્સ હતું. મંગળવારે રાતે આશરે ૧૧ વાગ્યાની આસપાસ તેમના ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે નુરુલ હસનના મકાનની સાથે તેના પાડોશીનું મકાન પણ ધરાશાયી થઈ ગયું હતું. ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે, બચાવની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર આવીને કાટમાળને જેસીબી મશીનની મદદથી હટાવવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા.
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત મોહમ્મદ હકીમે જણાવ્યું હતું કે રાતે ૧૧ વાગ્યાની આસપાસ જમવાનું બનાવી રહ્યા હતા, ત્યારે ગેસ-સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ગેસ-સિલિન્ડર પણ નવું હોવાથી સંપૂર્ણ ભરેલું હતું. આમાં વિસ્ફોટ થયો હોવાથી પોતાના ૨ માળના મકાનની સાથે પાડોશીનું મકાન પણ ધરાશાયી થઇ ગયું હતું. ત્યાર પછી શું થયું એની મને જાણ નથી.
આઇજી રાકેશ સિંહ, એસપીએ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ આદરી હતી. વિસ્ફોટનાં કારણોની તપાસ માટે તેમણે ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી. એસપીએ જણાવ્યું હતું કે સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે છત પડી ગઈ હતી. અત્યારે અમારી પ્રાથમિક બચાવની ટીમ કાર્યરત છે. જે કોઇપણ માહિતી અને તથ્ય સામે આવશે એના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.