નાગાલેન્ડ-આસામના ગોંધી રખાયેલા ૧૨ બાળકો સહિત ૯૪ મજૂરોને છોડાવાયા

474

કઠવાડા જીઆઈડીસીમાં આવેલી જીએસપી ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા ૧૨ બાળકો સહિત ૯૪ બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે.

આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સિનોયહીલ પુટી ક્રિશ્ચન રહે. મૂળ આસામ અને હોતન બાયુની ક્રિશ્ચન રહે.મૂળ નાગાલેન્ડ મારફતે આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હતો. આ તમામ મજૂરોને એસપી રિંગ રોડ પર રણાસણ ટોલટેક્સ પાસે આવેલા બામ્ભા ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ મામલે મુકેશ રણછોડ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મુકેશ ભરવાડ બેથી ત્રણ એજન્ટ દ્વારા આ લોકોને નાગાલેન્ડ અને આસામથી લાવ્યો હતો.જેમાના કેટલાક ત્રણ માસથી અને કેટલાક ચાર માસથી કામ કરતા હતા.

હાલ કેટલી કંપનીઓમાં આ લોકોને મજૂરી  કરાવવામાં આવતી હતી તે અંગે તપાસ ચાલુ છે. તમામ મજૂરોને પગાર પણ આપતા ન હતા અને પરિવાર સાથે વાત નહોતા કરવા દેતા. આ મામલે જુવેનાઇલ જસ્ટિસ, ચાઈલ્ડ લેબર, બોન્ડેડ લેબર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસની અન્ય એજન્સીઓ પણ તપાસ કરશે. આરોપી મુકેશ ભરવાડના લગ્ન આસામમાં થયા હોવાથી તે ત્યાંથી મજૂરો લાવતો હતો.

Previous articleભરૂચમાં ચોથે દિવસે પણ પૂરનાં પાણીનો કહેર, લોકોની નાવડીમાં અવરજવર
Next articleનિયમોની ઐસી કી તૈસી…ખુદ અધિકારીઓની ગાડીઓમાં બ્લેક ફિલ્મ..!!