મોદીએ માતા હીરાબાને વંદન કરીને વિશેષ આશીર્વાદ લીધા

396

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ૭૦માં જન્મદિવસે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા તે દરમ્યા વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા સાથે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું છે. જેમાં તેઓ પુરણપોળી જમ્યા હતા. આ દરમ્યાન માતા હીરા બા સાથે તેમણે અડધો કલાક જેટલો સમય વીતાવ્યો હતો. માતા સાથે સમય વીતાવ્યા બાદ અને પારિવારિક ક્ષણો માણ્યા બાદ વડાપ્રધાન મોદી ઘરની બહાર નીકળ્યા હતા અને આસપાસના લોકો સાથે સેલ્ફી ખેંચાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા. પીએમ મોદી રાજભવન પહોંચી ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.  આ બેઠકમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અને તે દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા સહિતના અનેકવિધ મહત્વના મુદ્દાઓ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત તા.૩૧ ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પુરૂં થઈ રહ્યું છે ત્યારે તે અંગે ઉજવણી અને આયોજન અંગે અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા હાથ ધરાઇ હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થશે. આ પહેલા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે મતદાન કરવા ગુજરાત આવ્યા ત્યારે પણ વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સમયે હીરાબાએ વડાપ્રધાનને આપેલી ખાસ ભેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. માતા હીરા બાએ વડાપ્રધાન એવા પોતાના પુત્ર નરેન્દ્ર મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી હતી અને શુકનના રૂ.૫૦૧ આપ્યા હતા.

Previous articleપોક એક દિવસ ભારતનો હિસ્સો બની જશે : જયશંકરનો ઘટસ્ફોટ
Next articleમોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગિયાને ઉડાડીને મુકત કર્યા