સુરતમાં સ્કૂલ રિક્ષામાં એક બે નહિ ૨૦ બાળકો ભર્યાઃ વીડિયો વાયરલ

392

ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રિક્ષામાંથી ૨૦ બાળકો નીકળ્યાં હતાં.પોલીસે ઓટો રિક્ષા ઉભી રખાવીને બાળકોની નીચે ઉતારીને ગણતરી કરતાં ૨૦ બાળકો નીકળ્યાં હતાં. હાલ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને લઈને નિયમો કડક કરવામાં આવ્યા છે ત્યારે જ ઓટો રિક્ષામાંથી આટલા બાળકો નીકળતાં વાલીઓની પણ બેદરકારી સામે આવી રહી હોય તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

થોડા મહિનાઓ અગાઉ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલ વેન અને ઓટો સામે કડક નિયમો કરવામાં આવ્યાં હતાં તેમ છતાં આ નિયમોને જાણે ઓટોવાળા ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો આ વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ ૨૦ જેટલા માસૂમ બાળકો ઓટોમાંથી નીકળ્યાં હતાં.

આરટીઓ ઓફિસર ડી કે ચાવડાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ગંભીર પ્રકારની બાબત સામે આવી છે. બાળકોની સુરક્ષાને લઈને તેઓ અગાઉ પણ કાર્યવાહી કરી ચુક્યા છે અને આ રિક્ષા ચાલક વિરૂધ્ધ પણ કાર્યવાહી કરાશે.

અગાઉ તેમણે દરેક સ્કૂલને પણ સૂચના આપી છે છતાં આટલા બાળકો એક જ રિક્ષામાં ભરવા તે યોગ્ય નથી. સ્કૂલ સંચાલકોએ અને વાલીઓએ પણ સેફ્ટી અંગે વિચારવું જોઈએ.

Previous articleરામ મંદિર મામલે વિઘ્ન ઉભા ન કરવા મોદીનું સુચન
Next articleથરાદ વિધાનસભા પેટા ચૂંટણી : પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીનું પત્તુ કપાયુ..!!?