તુલસી ગબાર્ડે હાઉડી મોદી કાર્યક્રમમાં હાજર નહિ રહે : માફી માંગી

314

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાઉડી મોદી ઈવેન્ટમાં ભાગ લેવાના છે. અમેરિકાના પહેલાં હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે આ પહેલાં એક વીડિયો મેસેજ જાહેર કરીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે, મને ખૂબ જ ખુશી છે કે હાઉડી મોદીથી અમેરિકામાં રહેતા સમગ્ર ભારતીય અને હિન્દુઓને એકબીજાની નજીક આવવાનો મોકો મળી રહ્યો છે. જોકે તેમણે આ ઈવેન્ટમાં સામેલ ન થઈ શકવાનું દુખ વ્યક્ત કર્યું છે. ગબાર્ડે કહ્યું છે કે, ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલેથી અમુક કાર્યક્રમો નક્કી છે. તેથી તેઓ હાઉડી મોદી ઈવેન્ટમાં જઈ શકશે નહીં.

ગબાર્ડે મેસેજની શરૂઆત નમસ્તેથી કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત દુનિયાનું સૌથી મોટું અને જૂનુ લોકતંત્ર છે. ભારત અને અમેરિકાએ જળવાયુ પરિવર્તન, પરમાણુ યુદ્ધ રોકવા અને લોકોની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સાથે કામ કરવું જોઈએ. તેમણે વસુધૈવ કુટુમ્બકમનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, આપણે સાથે મળીને એવી ભાગીદારી કરવી જોઈએ જેનાથી વિકાસ, સમાનતા, સુરક્ષા, સ્વાસ્થય અને પર્યાવરણને પ્રોત્સાહન મળે. આ પહેલાં પણ એક ટિ્‌વટમાં ગબાર્ડે કહ્યું હતું કે, તેઓ મોદીના કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે પરંતુ તેમને મળવાનો પ્રયત્ન ચોક્કસ કરશે.

Previous articleસારી ટેકનોલોજીવાળા દેશો રાતમાં જ હુમલો કરે છેઃ બી.એસ.ધનોઆ
Next articleપાકિસ્તાન જેટલું નીચું જશે એટલા અમે ઊંચે જઇશુંઃ સૈયદ અકબરુદ્દીન