જાળીયાનો ખેડૂત આત્મવિલોપન કરે તે પૂર્વે અટક કરાયો

854
bvn932018-13.jpg

ગારિયાધાર તાલુકાના જાળીયા ગામે રહેતો વૃધ્ધ ખેડૂત દલિત સમાજના ટોળા સાથે કલેક્ટર કચેરી પર આત્મવિલોપન અર્થે પહોંચ્યો હોય આ વૃધ્ધ આત્મવિલોપન કરે તે પૂર્વે સ્થળ પર હાજર પોલીસે વૃધ્ધને હિરાસતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
છેલ્લા થોડા સમયથી સરકારી તુત્ર સામે અમુક સમાજના લોકો દ્વારા દેશના ધારાધોરણ નિયમોની ઉપરવટ જઈ અઘટીત પગલાઓ અખત્યાર કરી અન્ય સમાજને દુષ પ્રેરણા આપી સરકાર તથા અન્ય તંત્રની ઉંઘ હરામ કરી છે. આવા જ એક બનાવમાં સમાજને મળેલ વિશેષ અધિકારોનો ગેરલાભ લઈ સમાજમાં ભયનું વાતાવરણ સર્જતો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર બનાવ અંગે સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ગારિયાધાર તાલુકાના જાળીયા ગામે રહેતા દલિત વૃધ્ધ હકા નાથા ગોહિલ ઉ.વ.૭૩ની વાડીમાં વાવેલ ૮ વિઘાના ઘઉંનો પાક આશરે ર૦૦ મણ કિ.રૂા.૮૦ હજારનાને આ જ ગામના ત્રણ ક્ષત્રિય શખ્સોએ સળગાવી જ્ઞાતિ વિશે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ વૃધ્ધે ગારિયાધાર પોલીસ મથકમાં નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવા છતાં સમગ્ર કામગીરીને લઈને વૃધ્ધે પોલીસ પર આરોપીને છાવરવાનો આક્ષેપ તથા ધરપકડ કરવામાં ન આવી રહી હોવાની રાવ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને કરી હતી. સાથોસાથ ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો પોતાના દલિત સમાજના લોકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરશે તેવી ચિમકી પણ આપી હતી. જે સંદર્ભે ગત સોમવારથી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ફાયર મેડીકલ ટીમને ર૪ કલાક સ્ટેન્ડ ટુ રાખી હતી. જેમાં આજરોજ વૃધ્ધ ખેડૂત પોતાના સમાજના લોકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર દેકારા સાથે આત્મવિલોપનની કોશિષ કરતા ફરજ પર હાજર પોલીસ જવાનોએ વૃધ્ધની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleએ.વી. સ્કુલ ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી બે કાર ઝડપાઈ
Next articleદિપક ચોકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શ્ખ્સ ઝડપાયો