રાજ્યમાં ડેંગ્યુની દહેશત…સિવિલમાં ખુદ ૬૦ ડૉક્ટર-નર્સ, CRPFના ૧૫ જવાનો ઝપેટમાં

783

રાજ્યમાં રોગાચાળાએ દહેશત ફેલાવી છે. ડેન્ગી અને મલેરિયાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ખુદ ૬૦ ડૉક્ટરો અને નર્સ સહિત સીઆરપીએફના ૧૫ જવાનો ડેન્ગી અને મલેરિયાના ભરડાંમાં આવ્યા છે. આ સાથે ત્રણ બાળકો રોગચાળામાં ભોગ લેવાયો છે. રાજ્યભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક હોસ્પિટલોમાં આઈસીયુ અને એનઆઈસીયુ બેડ ખાલી નથી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૬૦ ડોક્ટર અને નર્સને ડેંગી થયો છે. અમદાવાદમાં મલેરિયાના ૪૪૭ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ સિવિલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ડેંગીના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ચાંદખેડા અને ગોતામાં ડેંગીના કેસ નોંધાયા છે. રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે સીઆરપીએફના જવાનો પણ માંદગીના બિછાને છે. સીઆરપીએફના ૧૫ જેટલા જવાનો ડેંગી અને મલેરિયાનો ભોગ બન્યા છે. એકસાથે ૧૫ જેટલા જવાનોને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. સીઆરપીએફના જવાનો હોસ્પિટલના ઈ૫ વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે. મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ ઇસનપુરમાં જોવા મળ્યો છે. તો વટવા, લાંભામાં પણ મચ્છરોનો ઉપદ્રવ છે. અમદાવાદમાં ૨૧ દિવસમાં ડેંગી અને મલેરિયાના એક હજાર કેસ નોંધાયા છે. રોગચાળાથી ૩ બાળકોના મોત નિપજ્યા છે. ઉપરાંત મચ્છરોના બ્રિડિંગ મળી આવતા ૩ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. યુએન મહેતા, એપોલો ફાર્મસીને નોટિસ અપાઇ છે. સુરતમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરત શહેરમાં મલેરિયાને ૧૭૮ કેસ, ડેંગીના ૭૧ કેસ, ટાઇફોઇડના ૧૩૩ કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના ૧૫૨ કેસ અને ગેસ્ટ્રોના ૧૨૦ કેસ નોંધાયા છે અને કમળાના ૧૧૧ કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરના ૨૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ મલેરિયા અને ડેન્ગ્યુની ઝપેટમાં છે.

Previous articleબાયડમાં કોંગ્રેસનાં આગેવાનોનો એનસીપી સાથેના ગઠબંધનને લઈ ભારે વિરોધ
Next articleધો. ૫ અને ૮માં વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા