ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળી રૂ. ૯૫૦ના ભાવે વેચાઈ

708

હાલ સમગ્ર રાજય અને દેશમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. આ વખતે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચ્યાં છે.

આ સમયે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ૨ રૂપિયે કિલો વેચાતી ડુંગળી આટલી મોંઘી કઈ રીતે થઈ? ડુંગળીના આટલા ભાવો કેમ થયા?

નોંધનીય છે કે ડુંગળીના ભાવો માંગ અને પુરવઠા પર આધારિત હોય છે. જાણકારોના મત પ્રમાણે આ ચોમાસામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સારા વરસાદને પગલે ડુંગળીનો પાક ૫૦ ટકાની અંદર સીમિત થઇ ગયો છે. જેથી પુરવઠા પર અસર પડી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં આ મહિનાઓમાં ડુંગળી પાકતી નથી, હાલ જે યાર્ડમાં જે ડુંગળી વેચાવા આવી રહી છે તે સંગ્રહ કરાયેલી ડુંગળી છે. એવામાં સરકારે ભાવો નિયંત્રણ કરવા ડુંગળી આયાત કરવાનું નક્કી કર્યું છે, પરંતુ તેનાથી ભાવો પર કોઈ લાંબી અસર જોવા નહીં મળે અને હજી ત્રણ મહિના સુધી ભાવો ઊંચા રહેશે.

ચાલુ વર્ષે મહુવા યાર્ડમાં ડુંગળી ઊંચામાં રૂપિયા ૯૫૦ની ૨૦ કિલો લેખે વેચાઈ હતી. આજે યાર્ડમાં ડુંગળીની માત્ર ૨૦૦૦ થેલીની આવક હતી, જે ઊંચામાં રૂપિયા ૮૫૦ સુધી વેચાઈ હતી. આ સંગ્રહ કરેલી ડુંગળીને ચારથી પાંચ મહિના સાચવવાની હોય છે. ડુંગળીની જાળવણી ખર્ચ, વજનમાં ઘટ સહિતની ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને પહેલા કરતા સારો પરંતુ જોઈએ એટલો નફો મળતો નથી.

આખા દેશને દરરોજ ૫૦,૦૦૦ ટન ડુંગળીની જરૂરિયાત છે. જેની સામે અમુક રાજ્યોમાં પાક નિષ્ફળ જવાથી પુરવઠો ઓછો છે. આ કારણે ભાવો આસમાને પહોંચ્યા છે. મહુવામાં હવે માત્ર ૬૦૦૦ ટન જથ્થો જે ઉપલબ્ધ છે. એટલે કે ૨૦ દિવસ સુધી ચાલી શકે તેટલો જથ્થો છે. હવે નવા માલની આવક શરુ ન થાય ત્યાંસુધી ભાવો ઊંચા જ રહેશે.

Previous articleઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાયરલ, પ્રિન્સિપાલે સફાઈ આપી
Next articleડુંગળીની કટોકટી નથી : લોકોને ૨૪ રૂપિયા કિલોના ભાવે મળશે