૧.૪૮ કરોડની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે

455

અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર એમ.ડી ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયુ છે. પોલીસે ૧.૪ કિલો એમ.ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં આવેલું રૂ.૧.૪૮ કરોડની કિંમતનું એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડતાં માદક દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ક્રાઇમબ્રાંચની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો સામે આવ્યો હતો કે, શહેરના ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અનેે ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા. પુત્ર મુંબઈના અસફાકબાવા નામના શખ્સ પાસેથી માલ મંગાવતો હતો. જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. ક્રાઇમબ્રાંચે આ સમગ્ર ઓપરેશનમાં કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જે કન્સાઇન્મેન્ટ લેવા બે શખ્સ એસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર આવશે. ક્રાઈમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. બસ આવી જતા બે શખ્સ ટ્રાવેલ્સની ઓફિસે ડ્રગ્સનું પેકેટ લેવા પહોંચ્યા હતા. જ્યાં કંડક્ટર પાસેથી ડ્રગ્સનું પેકેટ લેતાં બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ પેકેટ ખોલીને જોતા ૧.૪૬૯ કિલોના ડ્રગ્સનો જથ્થો હતો. ક્રાઈમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ડ્રગ્સની કિંમત ૧.૪૮ કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં મઝહરના પુત્ર સહજાદે ગોવા અને મુંબઈથી ડ્રગ્સ મંગાવ્યુ હોવાની વાત સામે આવી હતી. જેથી આરોપી મઝહરના ઘરે તેના પુત્રને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે ખાસ સર્ચ કર્યું હતું. જો કે સહજાદ મળ્યો નહતો. ઘરમાંથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં, ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગોવાથી વાયા મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલું લગભગ દોઢ કરોડનું આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતુા્‌, ગોવાથી જે વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે વ્યક્તિ કોણ છે અને કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સની હેરાફેરીમાં કોણ કોણ સંકળાયેલું છે ? તે સહિતના મુદ્દે હવે ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.

Previous articleકર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલા બે નોરતા કેન્સલ કર્યા
Next articleચીન આંતરિક મામલામાં દરમિયાનગીરી ન જ કરે