આજે આઠમ : મંદિરોમાં હોમ હવનો, ખાસ પૂજાનું આયોજન

442

આવતીકાલે નવરાત્રિ પર્વની સૌથી અનેરૂ અને શાસ્ત્રોકત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમતે શહેરના વિવિધ વિસ્તારોમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં આઠમ નિમિતે વિશેષ પૂજા, હોમ, હવન અને નવચંડી યજ્ઞ સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવાર માતાજીના વારે જ આઠમ આવી હોઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. શહેરના સુપ્રસિધ્ધિ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર સહિત, ભુલાભાઇ પાર્ક બહુચર માતાજી, માધુપુરાના અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિતે માતાજીના અદ્‌ભુત શણગાર, પૂજા, મહાઆરતી, શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નવરાત્રિ દરમ્યાન અષ્ટમીની પૂજા-આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મય હોવાથી શહેરના આ માતાજીના મંદિરોમાં આઠ અને નોમ દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે. આવતીકાલે આઠમ નિમિતે અંબાજી સહિતના માંઇ મંદિરોમાં માતાજીનો વિશેષ અને ભવ્ય સાજ-શણગાર કરવામાં આવશે.

શહેરની ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી મંદિરના ઇતિહાસ વિશે ગાદીપતિ ભૂપેન્દ્રભાઇ અને દિપેનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સદીઓ પૂર્વે જયાંથી સાબરમતી નદી વહેતી હતી, તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીઝ બ્રીજ વિસ્તારમાં કોતરો હતો અને હાલનો રિલીફ રોડ અને ગાંધી રોડનો વિસ્તાર પણ ખુલ્લો અને જંગલ જેવો હતો. એ અરસામાં આ મંદિર અને મૂર્તિની સ્થાપના થયા હોવાનું મનાય છે. લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત અંબાજી માતાની આ મૂર્તિ સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલું જૂનું છે. આ મંદિરનો ૨૦૫ વર્ષ પૂર્વે જીર્ણોધ્ધાર કરાયો હતો. અગાઉના કોમી તોફાનો દરમ્યાન આ મંદિર પર એમઇ-૩૨ પ્રકારનો બોંબ પણ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂર્તિને ઉની આંચ પણ આવી ન હતી. ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી મંદિર શહેરનું એકમાત્ર મંદિર એવું છે કે જયાં નવરાત્રિ દરમ્યાન આઠમ સુધી રોજ માતાજીની ૧૦૮ દિવાઓની આરતી ઉતારવામાં આવે છે. આઠમ નિમિતે આવતીકાલે રવિવારે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાશે. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞમાં સવારે પાંચ વાગ્યે શ્રીફળ હોમાશે. બીજા દિવસે નોમ(નવમી)ના રોજ સોમવારે હજારો શ્રધ્ધાળુ ભકતો યજ્ઞકુંડની ભસ્મ લેવા પડાપડી કરશે. કારણ કે, નવરાત્રિની આઠમના આ મહાયજ્ઞ અને તેની ભસ્મનું ચમત્કારિક મહાત્મ્ય હોઇ શ્રધ્ધાળુઓમાં આખુ વર્ષ પોતાની તિજોરી, ધંધા-રોજગારના સ્થળોએ સંગ્રહી રાખે છે. માતાજી ભકતો પર અનેરી કૃપા વરસાવે છે.

Previous articleભાવનગર રોટરેકટ કલબ અને રેલ્વે વિભાગ દ્વારા સ્વચ્છતા માટે કાપડની થેલીનું વિતરણ
Next articleઆજે આઠમું નોરતુંઃ માતા મહાગૌરીની પૂજા કરો