પૈસાના અભાવે રાજયમાં એકપણ નાગરિક સારવાર વિહોણો ન રહે તે સરકારની પ્રાથમિકતા : મુખ્યમંત્રી

409

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્‌-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના ૭૦ લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.  જુનાગઢના વડાલમા વતન પ્રેમી કોરાટ તબીબ દંપતિ દ્વારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનુ ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ કહયુ કે, છેવાડાની મોટી હોસ્પીટલોને આરોગ્ય યોજનાઓમા રજીસ્ટરર્ડ કરીને ગરીબોથી માંડીને વંચિતો એમ તમામ નાગરિકોનુ તંદુરસ્ત આરોગ્ય જળવાય તેવી સરકારની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમા વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે દેશના દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બને. રાજ્ય સરકાર તંદુરસ્ત સમાજના નિર્માણમા હર હંમેશ કાર્યરત છે ત્યારે હવે નવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજ શરૂ કરીને વડાપ્રધાનની આ સંકલ્પના સાકાર કરાશે. ગુજરાતના યુવાનોને રાજ્યમાં જ મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે મેડિકલ કોલેજીસમાં બેઠકો વધારવાની ૫૪૦૦ કરવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારમા પણ અદ્યતન અને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ બને તે માટે ગ્રીન ફીલ્ડ અને બ્રાઉન ફીલ્ડ બને તે માટે મેડીકલ પોલીસીની હિમાયત કરતા કહ્યુ કે, આ યોજનામાં હોસ્પીટલોને પ્રોત્સાહિત કરવા વીજ બીલથી માંડીને વ્યાજ માફીના લાભ અપાશે. વડાલ જેવી આવી હોસ્પીટલમાં સંકલન કરીને ગરીબ દર્દી જો પૈસા વગર હોસ્પીટલમા દાખલ થાય તો તેમને એકપણ પૈસાનો ખર્ચ ન થાય તે દિશામા અમારી સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ.

મુખ્યમંત્રીએ વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ  માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ ડૉ.રાજેશ કોરાટને અભિનંદન આપ્યા હતા. આ હોસ્પીટલમા દેશમા બહુ જુજ પ્રમાણમા છે તેવા તબીબી સાધનો વસાવવા બદલ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મહંત શેરનાથબાપુ, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા,શશીકાંતભાઇ ભીમાણી,ધારાસભ્ય દેવાભાઇ માલમ, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, એસ.પી.  સૌરભસિંઘ,રંજનબેન કોરાટ તેમજ જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વડાલના ગ્રામજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅંબાજી, ચોટીલા, પાવાગઢ સહિતના મંદિરોમાં ઘોડાપૂર
Next articleભાવ.ના શાસ્ત્રી પારસભાઈના વ્યાસાસને હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન