ગુજરાતમાં લોકોએ કરોડોના ફાફડા-જલેબીની માણેલ મજા

498

આજે ગુજરાત સહિત દેશભરમાં વિજયાદશમી એટલે દશેરાનો તહેવાર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ અને ભકિતભાવ સાથે ઉજવાયો હતો. અમદાવાદમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા મુજબ, આજે પણ અમદાવાદીઓએ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ઝાપટી ગયા હતા. અમદાવાદમાં અત્યારે કિંમતની દૃષ્ટિએ જોઈએ તો ફાફડા અને ચોખ્ખા ઘીની જલેબીના ભાવ કાજુ-બદામ જેવા ડ્રાયફ્રુટ કરતા પણ વધુ હોવાછતાં આજે દશેરાએ સ્વાદના રસિયાઓ અને ફાફડા-જલેબીના પ્રેમીઓ અમદાવાદમાં સરેરાશ દસ લાખ કિલો જેટલાં ફાફડાં-જલેબી એક જ દિવસમાં ઝાપટી ગયા હતા. આજે અમદાવાદ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ગરમા ગરમ ફાફડા-જલેબી માટે કાઉન્ટરો પર લાંબી લાંબી લાઇનો લાગી હતી. લોકોએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને પણ કરોડો રૂપિયાના ફાફડા-જલેબીની ખરીદી કરી હતી. તો, આજે ફાફડા જલેબીની સાથે સાથે દશેરાના તહેવાર હોવાથી ચોળાફળી, સમોસા-કચોરી અને અન્ય ફરસાણની પણ જયાફત તેમ જ મિજબાનીનું માર્કેટ પણ જોરમાં રહ્યું હતું. દશેરાના તહેવારની ઉજવણી ફાફડા-જલેબીની જયાફત વિના અધૂરી મનાય છે અને તેથી આ વર્ષે પણ ફાફડા જલેબીના ભાવો આસમાને પહોંચ્યા હોવાછતાં અમદાવાદીઓ ફાફડા જલેબીની લુત્ફ ઉઠાવવા આતુર બન્યા હતા.  નવરાત્રિમાં આઠમના દિવસથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં નાના-મોટા મળીને આશરે ૧૦ હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. ફાફડા અને જલેબી સામે ફ્રુટ અને ડ્રાયફ્રુટના ભાવની સરખામણી કરીએ તો, ફાફડાના કિલોના ભાવ રૂ.૪૦૦થી ૮૬૦ સુધીનો હતો, જ્યારે જલેબીના કિલોના ભાવ રૂ.૫૦૦થી ૧૨૦૦નો હતો, તેની સામે ફ્રુટ્‌સમાં દાડમના કિલોના ભાવ રૂ.૧૬૦-૨૦૦, સફરજન રૂ.૧૨૦-૨૦૦, મોસંબી-રૂ.૧૦૦, ચીકુ રૂ.૬૦-૧૦૦, પપૈયા રૂ. ૯૦ સુધીના ભાવે જ્યારે ડ્રાયફ્રુટસમાં કાજુ રૂ.૯૬૦-૧૦૮૦, બદામ રૂ.૭૬૦-૧૦૪૦, કિશમિશ- રૂ.૪૮૦-૯૬૦, અખરોટ રૂ. ૮૦૦-૧૨૦૦, જરદાલુ રૂ. ૯૬૦-૧૨૦૦, પીસ્તા ખારા રૂ. ૧૦૮૦-૧૨૦૦ અને અંજીર રૂ.૧૨૦૦ના ભાવ નોંધાયો હતો. તેમછતાં અમદાવાદીઓએ ખાસ કરીને સ્વાદના રસિયાઓએ મન ભરીને ફઆપડા જલેબીની ખરીદી કરી જયાફત ઉડાવી હતી. વેપારીઓ ફાફડા-જલેબીના આટલા ભાવવધારા પાછળ બેસન, તેલ સહિતના ભાવવધારા, જીએસટી અને લેબર(કારીગરની મજૂરી)ને કારણ ગણાવી વેપારીઓએ ફાફડા-જલેબીના વેચાણમાં એક રીતે લૂંટ ચલાવી હતી પરંતુ અમદાવાદીઓએ ભાવ વધારાની પરવા કર્યા વિના ફાફડા જલેબીની લુત્ફ ઉઠાવી હતી.

દશેરાની ઘરાકીને લઇ વેપારીઓને ભારે તડાકો પડી ગયો હતો. કેટલાક વેપારીઓએ ફાફડા જલેબીના ગ્રાહકોને આકર્ષવા ખાસ ઓફર અને વ્યવસ્થા પણ કરાઇ હતી.

Previous articleરાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું શસ્ત્રપૂજન
Next articleરાજયભરમાં અનેક જગ્યાએ રાવણદહનના કાર્યક્રમો થયા