BSNL-MTNLના મર્જરની જાહેરાત

326

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે બીએસએનએલ અને એમટીએનએલને લઇને ચાલી રહેલી શંકાઓને દૂર કરીને સરકારે બંને કંપનીઓના મર્જરની જાહેરાત કરી હતી. મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આને લઇને લીલીઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર બીએસએનએલ અને એમટીએનએલને બંધ કરવા જઈ રહી નથી. સાથે સાથે ડિસઇન્વેસ્ટમેન્ટમાં પણ રસ ધરાવતી નથી. નુકસાનમાં ચાલી રહેલા બંનેને પાટા ઉપર લાવવા ૧૫૦૦૦ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ જારી કરવામાં આવશે. ૩૮૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને લઇને પણ હિલચાલ ચાલી રહી છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવવામાં આવશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બીએસએનએલ અને એમટીએનએલને લઇને સરકારની વિચારધારા બિલકુલ સ્પષ્ટ છે કે, આ ભારતના નીતિગતરુપથી મહત્વપૂર્ણ સંપત્તિના હિસ્સા તરીકે છે. અમારી સેના અને બેંકોના નેટવર્ક પણ બીએસએનએલ સાથે જોડાયેલા છે. બીએસએનએલ અનેએમટીએનએલને લઇને સરકારની ગણતરી બિલકુલ સ્પષ્ટ રહેલી છે. બંનેને વેચવાની યોજના નથી. હિસ્સો પણ ઘટાડવામાં આવનાર નથી.

આમા પારદર્શીતા લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કંપનીને ફોરજી સ્પેક્ટ્રમ આપવામાં આવનાર છે. આગામી ચાર વર્ષમાં ૩૮૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને લઇને ગણતરી થઇ રહી છે. આકર્ષક વીઆરએસ પેકેજ પણ લાવવામાં આવશે. જો કોઇ કર્મચારીની વય ૫૩ વર્ષ છે તો ૬૦ વર્ષ સુધી તેને ૧૨૫ ટકા પગાર ચુકવવામાં આવશે. અન્ય ટેલિકોમ કંપનીઓનો ખર્ચ માનવ સંશાધન પર માત્ર પાંચ ટકા છે જ્યારે આ બંને કંપનીઓનો ખર્ચ ૭૦ ટકાની આસપાસ છે. મર્જર સુધી ગૌણ કંપની તરીકે કામ જારી રહેશે.

Previous articleખેડૂતોને દિવાળીની ભેંટ : ઘઉંના MSPમાં ૮૫ રૂપિયાનો વધારો
Next articleઅશફાક-મોઇનુદ્દીનના ૭૨ કલાકના રિમાન્ડ મંજૂર થયા