ગુજરાત પેટાચૂંટણી : ભાજપ-કોંગ્રેસને ૩-૩ સીટ મળી

424

રાજ્યની છ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના આજના પરિણામો ભાજપ માટે બહુ મોટા આંચકા અને આઘાત સમાન હતા, તો કોંગ્રેસ માટે બહુ મોટી જીત સમાન અને કોંગ્રેસમાં નવી ઉર્જાના સંચાર સમાન હતા. છ બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસે ત્રણ-ત્રણ બેઠકો કબ્જે કરી હતી. આમ, આ વખતની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર કાંટે કી ટક્કર આપી હતી. આમ જોવા જઇએ તો, આ પેટાચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ભાજપ કરતાં રાજકીય રીતે ઉપર રહ્યો છે. ઉત્તર ગુજરાતની થરાદ, રાધનપુર અને બાયડની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી ભાજપને બહુ મોટી રાજકીય પછડાટ આપી છે તો, ભાજપે સમ ખાવા પૂરતી ખેરાલુ, લુણાવાડા અને છેલ્લી ઘડીયે ભારે રસાકસી બાદ અમદાવાદની અમરાઇવાડી બેઠક  જીતવામાં સફળતા મેળવી હતી. જો કે, સૌથી આંચકાજનક અને અણધાર્યા પરિણામ તો, રાધનપુર અને બાયડ બેઠકના હતા, કે જયાંથી અનુક્રમે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપના કમળ પર ચૂંટણી લડયા પરંતુ તેમની કારમી હાર સાથે ભાજપનું પણ કમળ કચડાઇ ગયુ અને આ બંને ઠાકોર નેતાઓના રાજકીય સપના રોળાઇ ગયા. ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજના પરિણામો ભાજપ માટે બહુ મોટી હાર સમાન રાજકીય દ્રષ્ટિકોણથી ગણાવાઇ રહ્યા છે તો, કોંગ્રેસ માટે આજના પરિણામો બહુ મોટી જીત સમાન મનાઇ રહ્યા છે. પેટાચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસની રાજકીય કૂટનીતિ વધુ ચઢિયાતી અને ફળદાયી સાબિત થઇ છે. ઉત્તર ગુજરાતની થરાદ બેઠક પરથી કોંગ્રેસના યુવા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ૬૩૯૦ મતે જીત્યા છે. કોંગ્રેસના યુવા ઉમેદવાર ગુલાબસિંહે ભાજપના જીવરાજ પટેલનું કમળ મસળી નાંખ્યુ હતું. તો, બાયડ બેઠક પર જશુભાઇ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને બહુ અણધારી હાર આપી હતી. સૌથી આંચકાજનક અને આઘાતજનક પરિણામ ભાજપ માટે રાધનપુર બેઠકના રહ્યા. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને વરઘોડો લીલા તોરણે પાછો ફર્યો હતો. કોંગ્રેસના રઘુ દેસાઇએ ભાજપના આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને જોરદાર રીતે ઉંધા માથાની પછડાટ આપી હતી. અમદાવાદની અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલે ભાજપના જગદીશ પટેલને છેક ૧૮મા રાઉન્ડ સુધી પાછળ રાખ્યા હતા પરંતુ છેલ્લા બે રાઉન્ડમાં જગદીશ પટેલે આગળ નીકળી ભાજપનું કમળ કચડાતાં કચડાતાં બચાવી લીધુ હતુ. તો, લુણાવાડા બેઠક પરથી ભાજપના જીગ્નેશ સેવકની જીત થઇ છે, આ જ પ્રકારે ખેરાલુ બેઠક પરથી પણ ભાજપના અજમલજી ઠાકોર ૨૯,૦૨૬ મતથી જીત્યા છે. આમ, ભાજપને છમાંથી માત્ર ત્રણ બેઠક જ મળી છે. પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે ખરેખર અણધાર્યા અને આઘાતજનક હતા. ખાસ કરીને પક્ષપલ્ટો કરનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને સ્થાનિક પ્રજાએ જાકારો આપ્યો છે. આજના પરિણામો બાદ ભાજપની છાવણીમાં તો જાણે સોપો પડી ગયો હતો અને કાર્યકરોથી માંડી નેતાઓ-આગેવાનો સ્પષ્ટપણે નિરાશામાં જણાતા હતા તો, બીજીબાજુ, કોંગ્રેસ પક્ષમાં દિવાળી તાકડે જ દિવાળીની ઉજવણી બેવડાઇ ગઇ હતી. કોંગ્રેસમાં જોરદાર વિજયોત્સવ, જશ્ન અને ઉજવણીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, છ બેઠક ઉપર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. દરેક કાઉન્ટિંગ સેન્ટરની ફરતે થ્રીલેયર સીકયોરીટી ગોઠવવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ, એસઆરપી તથા સીઆરપીએફના જવાનો તૈનાત રહ્યા હતા. સાંજે ચાર વાગ્યા સુધીમાં તમામ બેઠકોના પરિણામો સ્પષ્ટ થઇ ગયા હતા.

Previous articleઅલ્પેશ-ધવલસિંહની સ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ
Next articleભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આતશબાજી કરવામાં આવી