તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને અપાયો

673

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે. રાજ્ય સરકાર દ્વારા સંગીત ક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.                           

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે વડનગરની કન્યાઓએ સંગીતની સાધનાને આત્મસાત કરી હતી. તાન-સેનના દેહમાં ઉપડેલી દાહને મલ્હાર રાગ ગાઇ સાંત્વના આપી હતી. આવી સંગીત બેલડી તાના-રીરી બહેનોની યાદમાં સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર કલા, સાહિત્ય, સંગીત વારસા સાથે રમત-ગમત ક્ષેત્રને પણ મહત્વ આપી રહી છે. સંગીત ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને સંગીતની સાધના એટલે ઇશ્વરની સાધના. ભાવી પેઢીમાં સંગીત કાયમ માટે ગુંજતું રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ થકી થઇ રહ્યાછે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિ સાથે સંગીત, કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાનો વિકાસ થાય તેની સતત સરકાર દ્વારા ચિંતા થઇ રહી છે. રાજ્યનો કલાકાર વિશ્વમાં નામના મેળવે તે માટે કલામહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવળ વારસાના ઉજ્જવળ ઇતિહાસને જાગૃત કરવા આપણે સૌ આવા મહોત્સવ થકી પ્રયત્ન કરીએ.

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતા. મુખ્યમંત્રીએ વિશ્વ રેકોર્ડ કરનાર સંસ્થાઓને પ્રમાણપત્ર આપ્યું હતું. આ ઉપરાંત એવોર્ડી કલાકારો સહિત આજના દિવસે પરફોર્મ્સ કરનાર કલાકારોનું સ્વાગત સન્માન કરાયું હતું.

આ ઉપરાંત એવોર્ડી કલાકારો અશ્વિની ભીડે દેશપાંડે અને  પિયુ સરખેલને અપાયો. મુખ્યમંત્રીના હસ્તે રૂ.૦૨.૫૦ લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, પદ્મશ્રી અને સંગીતકાર અનુરાધા પૌંડવાલનું સ્વાગત કરાયું હતું.

તાના-રીરી મહોત્સવના પ્રથમ દિવસે સાંજે તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા. જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું. ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૫ થી ૧૦  દિવ્યાંગ વિધાર્થીઓએ જોડાયા હતા.

આ ઉપરાંત ૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજન તો તેને  રે કહીએ… ની ધૂન રાગ ખમાજ પર વગાડીને વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી.

કલાગુરૂ  શીતલબેન બારોટ દ્વારા એક જ મિનીટમાં તમામ નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી.

મુખ્યમંત્રીએ વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વ્રારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાત કરી હતી. તેમણે વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી

તાના-રીરી મહોત્સવના પ્રથમ દિવસે પદ્મશ્રી અનુરાધા પૌડવાલ દ્વારા રજૂ થયેલા શાસ્ત્રીય સંગીત સાથે ગુજરાતી  ગીતોએ સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલ દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરાયું હતું. ડૉ. ધ્વનિ વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન કરાયું હતું..

આ કાર્યક્રમમાં  સહકાર મંત્રી  ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી  વિભાવરીબેન દવે, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અગ્રણી સોમાભાઇ મોદી, સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય સર્વે ઋષિકેશભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ડૉ. આશાબેન પટેલ, અજમલજી ઠાકોર રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી. સોમ, જિલ્લા કલેકટર એચ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ-પદાધિકારીઓ, સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરાજહંસ નેચર ક્લબ દવારા કોમ્બડક (નક્ટા) ૧૮ જેટલા બચ્ચાં જીવ બચાવીયા
Next articleપ્રિયંકા, દિપિકા બાદ હવે આલિયા પણ હોલિવુડમાં