મોડી રાત્રે શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

859

ભાવનગર શહેર ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં દોઢ ઇંચ અને સિહોરમાં એક ઇંચ વરસાદ
ગઇકાલે રવિવારે દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રિના ભાવનગર શહેર સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે ભાવનગર શહેર ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને સિહોરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા જો કે, સવાર સુધીમાં વરસાદી પાણીનો નિકાલ થઇ જવા પામ્યો હતો. ભાવનગર શહેર-જિલ્લામાં નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થયું હતું પરંતુ આ વરસાદી માહોલ એકધારો સતત જોવા મળ્યું ન હતું ખંડવૃષ્ટિ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે ત્યારે રવિવારે સવારથી જ અંગ દઝાડતો તાપ અને તિવ્ર બફારો લોકો અનુભવી રહ્યા હતા અને છેક સાંજે ઢળ્યે પણ બફારા માથી કોઈ રાહત જણાઈ ન હતી હવાની ગતિ ઘટી જતાં લોકો ગરમીથી અકળાયા હતાં. એ સાથે ઢળતી સાંજે પશ્ચિમ દિશામાં વિજળીના તેજ લીસોટા જોવા મળ્યાં હતાં અને મહદઅંશે અવકાશ સ્વચ્છ જણાતું હતું આથી મોટા પ્રમાણમાં લોકો ગરમી-બફારાથી મુક્તિ મેળવવા ધાબા-છત પર સુવા ગયાં હતાં પરંતુ મધરાતે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને તેઝ પવન ફૂંકાવા સાથે વાદળો ઘેરાયા હતાં અને વિજળીના લબકારા સાથે તિવ્ર કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રાત્રે સાડાબાર વાગ્યે શરૂ થયેલ વરસાદ વહેલી પરોઢના સાડાત્રણ વાગ્યા સુધી શરૂ રહ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ અગાસીમાં ધાબા છત પર મીઠી નિંદર માણી રહેલા લોકો ને પાગરણ સાથે ભાગવું પડ્યું હતું ભાવનગર સહિત જિલ્લાના પાલિતાણા,ગારિયાધાર ઉમરાળા,વલ્લભીપુર પંથમાં પણ પડ્યો હોવાનાં વાવડ સાંપડી રહ્યાં છે ગારિયાધાર પંથકમાં સાંબેલાધારે મંડાયેલ મેઘાએ ગણતરીના સમયમાં ચોમેર પાણી પાણી કરી નાખ્યાં હતાં અને બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જિલ્લા ના ધરતીપુત્રો ના જણાવ્યા અનુસાર આ વરસાદ વાવણી કરાયેલ મોલાત માટે વરદાન સમાન છે કારણકે પાકની જરૂરિયાત મુજબ જ વરસાદ વરસતો હોવાનાં કારણે મોલાત વૃદ્ધિ ખૂબ સારી રીતે થાય છે જોકે શહેર તથા જિલ્લા ના કેટલાક તાલુકાઓમાં રાત્રે પડેલ વરસાદ થી સવારથી જ તિવ્ર બફારો શરૂ થયો છે અને લોકો રીતસર પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે રાજ્ય ના હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં ની આગાહી કરી છે.

Previous articleભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર નારી નજીક રોડનું ધોવાણ, પુલ પાસે રોડપર મોટો ખાડો પડ્યો
Next articleઆલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યું