આલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યું

602

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૮
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ પોતાની અપકમિંગ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ સમાપ્ત કર્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ સહિત ફિલ્મના અનેક સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ કારણે ફિલ્મના શૂટિંગને રોકી દેવામાં આવ્યુ હતું. શૂટિંગને ફરીથી શરુ કરવું સરળ નહોતું. ફિલ્મના એક ગીતનો નાનકડો ભાગ બાકી રહી ગયો હતો પરંતુ આખરે ફિલ્મમેકર અને આલિયાએ આ શૂટિંગ પૂરું કર્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મુંબઈની ફિલ્મ સિટીમાં આ શૂટિંગ સમાપ્ત કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સમાપ્ત કર્યા પછી આરામ કરવાના મૂડમાં નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓ ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ છે તે જ ફ્લોર પર હીરા મંડીનું શૂટિંગ શરુ કરશે. હીરા મંડી સંજય લીલા ભણસાલીની અપકમિંગ વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝ માટે સેટ પર નવી ગોઠવણ કરવામાં આવશે. વેબ સીરિઝને સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ કરી રહ્યા છે અને વિભુ પુરી ડાઈરેક્ટ કરી રહ્યા છે. તૈયારીઓ સમાપ્ત થશે પછી તેનું પણ શૂટિંગ શરુ કરવામાં આવશે. રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ સમાપ્ત કરવું સરળ નહોતું અને તે પણ અંતિમ ચરણમાં. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુનિટમાં જો એક વ્યક્તિને કોરોના થાય તો શૂટિંગ અટકાવી દેવામાં આવે છે.વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય બ્રહ્માસ્ત્ર અને આરઆરઆરમાં દેખાશે. ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે પહેલી વાર સ્ક્રીન સ્પેસ શેર કરશે.