૧૭૫ કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા દિલ્હીથી ઝડપાયો

418

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯
આજે ગુજરાત એટીએસને એક સૌથી મોટી સફળતા હાથ લાગી છે. ૧૭૫ કરોડનાં હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે. ગુજરાત એટીએસએ રૂ.૧૭૫ કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરી લીધી છે. સાહિદ કાસમ સુમરા દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ ગુજરાત એટીએસે ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. નોંધનીય છે કે સાહિદની અન્ય ડ્રગ્સ કેસમાં પણ સંડોવણી ખુલી છે. અગાઉ ૫૦૦ કિલો હેરોઈન કેસમાં પણ આરોપી સાહિદ કાસમ સુમરા સંડોવાયેલો છે. એનઆઇએએ પંજાબથી ૨૦૦ કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું, જેમાં પણ તે માસ્ટરમાઈન્ડ હતો. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ૧૭૫ કરોડના હેરોઈન કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સાહિદ કાસમ સુમરા પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવાનું કામ કરતો હતો. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે અને બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી. ૧૭૫ કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી વિશે ગુજરાત એટીએસને એક બાતમી મળી હતી. પરંતુ પહેલી નજરે આરોપીને ઓળખવો સહેલો નહોતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો આખો લૂક જ બદલી નાંખ્યો હતો. પરંતુ ગુજરાત એટીએસની સર્તકતાના લીધે આરોપી ઝડપાઈ ગયો હતો. શરૂઆતમાં આરોપીએ પોતે ગુનેગાર ન હોવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ અંતે તેણે પોતાની કસ્ટડી ગુજરાત એટીએસને આપી દીધી હતી. અત્રે નોંધનીય છે કે, આરોપી સાહિદ કાસમ સુમરાની કુલ બે ગુનામાં સંડોવણી સામે આવી છે. અગાઉ ૫૦૦ કિલો હેરોઈન કે જેની કુલ કિમત ૨૫૦૦ કરોડ થાય છે તે ગુનામાં પણ સંડોવાયેલ હતો. શાહિદ કાસમ સુમરાએ મોકલેલા ૫૦૦ કિલોમાંથી ૨૦૦ કિલો ડ્રગ્સ એનઆઇએએ પંજાબ થઈ ઝડપ્યું હતુ. શાહિદ કુલ ૨૬૭૫ કરોડના ડ્રગ્સ સપ્લાય કેસમા સંડોવાયેલ હોવાનો ખુલાસો હાલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસની વિગતે વાત કરીએ તો ગત જાન્યુઆરી માસમાં જખૌથી આશરે ૪૪૦ કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન કરીને બોટને ઘેરી લીધી હતી. તેમજ બોટનો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ માથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા ૩૫ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૧૭૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

Previous articleલખતરના જવાનનું માથું પંખામાં આવી જતાં શહિદઃ અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું
Next articleકેન્દ્રીય પ્રધાનો ૧૫-ઓગસ્ટ પછી જનઆશીર્વાદ કાર્યક્રમ યોજશે