માતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પુત્રને આજીવન સજા ફટકારતી કોર્ટ

154

એકાદ વર્ષ પૂર્વે સોનગઢ ગામે સગી જનેતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પુત્રને ડિસ્ટ્રીક્ટ જજે કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી સોનગઢ તાબેના માલવણ ગામે રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે બુધાભાઇ લીલુભા ગોહીલ (ઉ.વ.40) એ આરોપી તેના માતા-પિતા સાથે રહેતો હોય અને કોઇ કામ ધંધો કરતો ન હોય જેથી કામ ધંધા બાબતે તેમજ અન્ય નાની મોટી વાતમાં આરોપીને તેમજ તેની મરણજનાર માતા વસંતબા લીલુભા ગોહિલ ઉ.વ.75 સાથે અવાર-નવાર બોલાચાલી અને લડાઇ ઝઘડો થતો હોય જેનો રાગદ્વેષ રાખી આરોપી જયેન્દ્રસિંહ ગોહિલે ગત તા. 28/12/20ના રોજ વહેલી સવારના સુમારે સગા પુત્ર જયેન્દ્રસિંહે તેની માતાને ઢીકા પાટું વડે મારમારી તેણીના રહેણાંકીય મકાનના ઓરડામાં પડેલ લોખંડના દંતાળાના દાંતાના બે ઘા પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે સોનગઢ તાબેના માલવણ ગામે રહેતા ભાવનાબા વિરમદેવસિંહ ગોહિલે જે તે સમયે સોનગઢ પોલીસ મથકમાં ઉક્ત આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે બુધાભાઇ ગોહિલ સામે ઇપીકો કલમ 302, જીપી એક્ટ 135 સહીતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે બુધાભાઇ ગોહિલ સામે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને એક હજારનો દંડ ભરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

Previous articleઉમરાળા તાલુકા પંચાયતને જોડતો રસ્તો 5 વર્ષથી બિસ્માર, તાત્કાલિક નવો રસ્તો બનાવવા રહીશોની માગ
Next articleખારસી વિસ્તારમાં રી ફીટીંગ બ્લોકનું ખાત મુહુર્ત