ઉમરાળા તાલુકા પંચાયતને જોડતો રસ્તો 5 વર્ષથી બિસ્માર, તાત્કાલિક નવો રસ્તો બનાવવા રહીશોની માગ

134

ભાવનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જવાબદાર તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ઉમરાળા તાલુકાના પ્લોટ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી રોડ અતિ બિસ્માર હાલતે છે. તંત્રને અનેક વખત રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય. હવે ત્યાંના રહીશો દ્વારા અત્યંત ખરાબ હાલતમાં હોય વાહનચાલકોને હાલાકી પડતાં તાત્કાલીક નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે હરિસિંહએ જણાવ્યું હતું કે ઉમરાળા તાલુકાના પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડની અતિ બિસમાર હાલતે છે. આ રોડ તાલુકા પંચાયત, નગરપાલિકા, સ્કૂલ, પશુ દવાખાના આ રોડ પર આવેલા છે જ્યાં લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે,

અને એમાંય ગટરની લાઈન આવી તો રોડ સાવ ખોદી નાખ્યો હતો, જેને કારણે રોડની અવદશા થઈ ગઈ હતી, રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ અને ઠેરઠેર ખાડા તેમજ ગાબડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોને તથા રાહદારીઓને હાલાકી પડી રહી છે, આ રોડ પરથી અનેક સરકારી અધિકારીઓ – પદાધિકારીઓ પણ પસાર થતાં હોય છતાં તેઓની નજરે આ બિસ્માર રોડ દેખાતો નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ રસ્તો રીપેરીંગ કરવામાં આવ્યો નથી અને નવો પણ બનાવવામાં આવતો નથી. આ રોડ પર પડેલા ખાડાઓને બુરી થીગડાં મારવામાં આવ્યા હતા. પણ વરસાદે પોલ ખોલી નાખી હતી. રહીશો દ્વારા તાત્કાલીક આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Previous articleભાવનગરના તળાજાના ટીમાણા ગામ પાસે કોઝવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યાં,
Next articleમાતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પુત્રને આજીવન સજા ફટકારતી કોર્ટ