ખેડૂતોના પ્રશ્ને સરકાર ધ્યાન આપતી નથી : નાનુભાઇ વાઘાણી

0
524

તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં આજે કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિશદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સહકારી બેંકના ચેરમેન નાનુભાઇ વાઘાણીએ સરકાર ખેડૂતોના પ્રશ્ને ધ્યાન આપતી ન હોવાના આક્ષેપો કર્યા હતા અને ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી થતી હોવાનો પણ રોષ ઠાલવ્યો હતો.

ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ દ્વારા જિલ્લાના ગામડાંઓમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેમાં ગ્રામ્ય પંથકમાં સામાન્ય લોકોથી લઇને ખેડૂતો દ્વારા જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં ખેડૂતો દ્વારા તેમના પ્રશ્નોની રજુઆત કોંગ્રેસના ઉમેદવાર સામે કરાઇ રહી છે. જેને સંદર્ભે આજે કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન નાનુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરીષદ યોજાઇ હતી જેમાં તેમણે સરકાર તરફથી ખેડૂતોને રક્ષણ મળતું ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને પોતાની મહેનતથી ઉગાવેલા ડુંગળી, મગફળી તથા કપાસ સહિત પેદાશોમાં પોષણક્ષમ પણ ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોને સહાય અને સબસીડીની લોલીપોપ આપવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના દોઢ લાખ ખેડૂતો સરકારની ખેડૂતો વિરોધી નીતિથી નારાજગી પામ્યા છે અને તેઓ દ્વારા કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે મેહુરભાઇ લવતુકા, સતુભા ગોહિલ તેમજ રામદેવસિંહ ઝાલા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં આવતીકાલ તા.૨૧ના રોજ કોંગ્રેસના પ્રવક્તા એવા શક્તિસિંહ ગોહિલનો શહેરમાં ભવ્ય રોડ-શો યોજવામાં આવશે. ત્યારબાદ સભાનું પણ આયોજન કરાયું છે ત્યારે કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here