ગાંધીનગરના ચ-રોડ ઉપર બે અંડરપાસ બનશે

525

શહેરી વિસ્તારના બજેટમાં આજે પાટનગર યોજના વિભાગના મંત્રી નીતિન પટેલે ગાંધીનગર માટે મહત્વની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં વાહનો વધવાની સાથે ટ્રાફિકનું ભારણ વધવાનું ત્યારે નગરના મુખ્ય માર્ગ ગણતાં ચ રોડ ઉપર બે અંડરપાસ બનાવવા માટે પ૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ બજેટમાં કરી છે.

તેમણે કહ્યું હતું કે, ટ્રાફિકનું ભારણ ઘટે અને નગરની રોનક ન ઘટે તે માટે ચ રોડને સમાંતર બે અંડરપાસ બનાવવામાં આવશે. રેલ્વે સ્ટેશન આગળ એક ઉપરાંત ઘ-૪, ગ-૪  સહિત આગામી દિવસોમાં પાંચ અંડરપાસ ગાંધીનગરમાં બનાવાશે.

આજથી છ દાયકા પહેલા રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની રચના કરવામાં આવી તે વખતથી આગામી વર્ષોમાં વસ્તી વધારા તથા વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વખતે નગરમાં ટ્રાફિકના ભારણને હળવો કરવાની સાથે વ્યવસ્થાના ભાગરૂપે જુના સેક્ટરોને જોડતા માર્ગ ઉપર અંડરપાસ હતા પરંતુ તે વખતના નિષ્ણાંતોને તેની જરૂરીયાત નહીં લાગતા તબક્કાવાર આ અંડરપાસ પુરી દેવામાં આવ્યા હતા ત્યારે આજની સ્થિતિએ વાહનોની સંખ્યા વધવાને કારણે આ અંડરપાસની જરૂર પડી છે.

સ્માર્ટસીટી અંતર્ગત કોર્પોરેશન દ્વારા ઘ-૪ અને ગ-૪ પર ઘ અને ગ માર્ગને સમાંતર અંડરપાસ બનાવવાના છે ત્યારે આજે નાયબમુખ્યમંત્રી અને પાટનગર યોજના વિભાગના મંત્રી નીતિન પટેલે પણ ગાંધીનગરમાં ટ્રાફિક હળવો થાય તે માટે બે અંડરપાસ બનાવવાની જાહેરાત કરી છે.

આ બાબતે નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વાહનોની સંખ્યા વધવાની છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને નગરના મુખ્ય ચ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે અંડરપાસ અથવા તો બ્રીજની જરૂર હતી.

આવી સ્થિતિમાં પાટનગરની રોનક ન બગડે તે માટે એન્જીનીયરોની સલાહ લઇને ચ રોડને સમાંતર અંડરપાસ બનાવવાનું નક્કિ કરવામાં આવ્યું છે. ચ-૨ અને ચ-૩ પાસે ચ રોડને સમાંતર અંડરપાસ બનાવવાની જાહેરાત આજે તેમણે કરી છે ત્યારે તેની પાછળ ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ પણ અંદાજવામાં આવ્યો છે.

આમ, ગાંધીનગર શહેરમાં અગાઉ ફક્ત જુના સેક્ટરોમાં છ જેટલા અંડરપાસ હતા જે બંધ કરીને આજની તારીખે ફક્ત સે-૨૧થી મીનાબજારને જોડતો અંડરપાસ જ ચાલુ છે ત્યારે આગામી દિવસે રેલ્વે સ્ટેશન એટલે કે, ખ-૫થી વાવોલ તરફના અંડરપાસ ઉપરાંત નગરને ઘ-૪, ગ-૪, ચ-૨ અને ચ-૩ ઉપર અંડરપાસ બનશે.

Previous articleસેક્ટર-૪માં ૧૦૦થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ : અંધારપટ્ટ છવાયો
Next articleમેવાણીને ફટકો : આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી