અરવલ્લી કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવા આવતા સાસુ-વહુની અટકાયત

453

બાયડ તાલુકાના વારેણા ગામે ગત જાન્યુઆરી માસમાં ગામના જ એક શખ્સની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાર મચી હતી. આ શખ્સની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ બાયડ પોલીસને બે શકમંદ ઈસમોના નામ પણ આપ્યા હતા. પરંતુ અગમ્ય કારણોસર આ ચકચારી પ્રકરણે બાયડ પોલીસે યોગ્ય દિશામાં તપાસ હાથ નહી ધરતા ન્યાયની અપેક્ષાએ આ મૃત શખ્સની પત્નિ અને માતાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

ગત ગુરૃવારના રોજ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન માટે કુંટુંબી માણસો સાથે આ બે મહિલા સાસુ-વહુ આવી ચડતાં ટાઉન પોલીસે આ બંને મહિલાઓ સહિત અન્ય કુટુંબીઓની અટકાયત કરી આત્મ વિલોપનનો પ્રયાશ નિષ્ફળ બનાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામના વનરાજસિંહ ચંદુસિંહ પરમારનો મૃતદેહ ગત જાન્યુઆરી માસની ૨૧ તારીખે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.પંથકમાં ચકચારી આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ મૃતક વનરાજસિંહનું મોત અકસ્માતે નહી પરંતુ આયોજન પૂર્વકની હત્યા હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરાયો હતો. અને આ પ્રકરણે બે શંકાસ્પદ ઈસમોના નામ બાયડ પોલીસને અપાયા હતા.પરંતુ ચકચારી પ્રકરણે કોઈ અગમ્ય કારણોસર બાયડ પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ હાથ નહી ધરાતી હોવાનું અને પોલીસ આ અસરગ્રસ્ત પરિવારને સાંભળતી પણ નહી હોવાના આક્ષેપ કરાયો હતો.

આમ ઘટનાના છ માસ પછી પણ ન્યાય નહી મળતાં આ મૃતક વનરાજસિંહના પત્નિ શોભનાબેન અને માતા કોકીલાબેને પોલીસના વિરોધમાં ૮મી ઓગસ્ટે જિલ્લા સેવાસદન ખાતે આત્મ વિલોપન કરવામાં આવનાર હોવાની જાણ જિલ્લા કલેકટરને લેખિતમાં કરી હતી. આત્મ વિલોપનની ચીમકી અંગે ૩ જી ઓગસ્ટે તંત્રને જાણ થતાં ગુરૃવારના રોજ જિલ્લા સેવા સદન ખાતે ટાઉન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગુરૃવારની બપોરે આ બંને મહિલાઓ સહિત તેમના કુટુંબીજનો મોટી સંખ્યામાં જિલ્લા સેવાસદન ખાતે ઉમટી પડયા હતા અને ભારે હોબાળો મચાવી બંને મહિલાઓ દ્વારા આત્મ વિલોપનનો પ્રયાશ કરાતાં પૂર્વે પોલીસે અટકાયત કરી આ પ્રયાશ નિષ્ફળ બનાવી દીધો હતો. ટાઉન પોલીસ ઈન્સ્પેકટર એન.કે.રબારી દ્વારા આ બંને મહિલા સહિત પરીવારજનોને આવું પગલુ નહી ભરવા સમજાવવામાં આવ્યા હતા.

Previous articleઅક્ષય પાત્ર અને એમયુએફજીનો સિલ્વાસામાં મધ્યાહન ભોજનનો શરૂ કરવા સહયોગ
Next articleકલોલમાં એક જ દિવસે બે મહિલા અને એક યુવકે આપઘાત કર્યો