વલ્લભીપુરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

130

‘ગુલાબ’ ચક્રવાત નબળું પડ્યું હોવા છતાં આવનારા ત્રણ દિવસ રહેશે વરસાદી વાતાવરણ
‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓરિસ્સાના સાગરકાંઠે બે દિવસ પહેલા ટકરાયા બાદ નબળું પડ્યું હતું. જો કે ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે વલ્લભીપુર પંથકમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
મંગળવારે સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વલ્લભીપુર પંથકમાં વરસાદ તૂટી પડ્યો હતો. અડધો ભાદરવો વીતી ગયા બાદ પણ મેઘરાજાએ વિદાય ન લેતા ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. વલ્લભીપુર પંથકમાં તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને આ વરસાદથી ભારે નુકશાની જવાનો ભય સેવાઇ રહ્યો છે. હાલ વરાપની જરૂર છે ત્યારે વરસી રહેલા વરસાદથી ઉજળા પાકનું ચિત્ર પલટાઈ શકે છે. ભાવનગર શહેર સાથે છેલ્લા 24 કલાકમાં મહુવા, ઘોઘા, શિહોર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર, પાલીતાણા, ગારીયાધાર, ભાવનગર અને તળાજા પંથકમાં પણ એક ઇંચ થી બે જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે ફરી ઝરમર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે ધીમી ધારે અને અવિરતપણે વરસતા વરસાદને પગલે જમીનમાં પણ પાણી ઉતરી રહ્યાં છે.

Previous articleવલ્લભીપુરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો
Next articleભાવનગર મંડલ પર એનડીઆરએફ ના સહયોગથી મોકડ્રીલનું આયોજન